12, ઓગ્સ્ટ 2025
શ્રીનગર |
3366 |
35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીએ 27 વર્ષીય કાશ્મીરી નર્સની નિર્દયી હત્યા કરવાના કેસમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. ત્રણ દાયકા જૂના કેસમાં સુરક્ષા એજન્સીએ આજે શ્રીનગરમાં આઠ આતંકવાદીના નિવાસસ્થાને દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. 1990માં કાશ્મીરી હિન્દુ મહિલા સરલા ભટ્ટની નિર્મમ હત્યા સંબંધિત આ દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. ભટ્ટ પર સામૂહિક દુષ્કર્મ ગુજારી નિર્મમ હત્યાના કેસમાં 35 વર્ષ બાદ પણ હજુ તપાસ ચાલી રહી છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રહેતી સરલા ભટ્ટ શેરે કાશ્મીર આયુર્વિજ્ઞાન સંસ્થાન સૌરા શ્રીનગરમાં નર્સ હતી. એપ્રિલ, 1990માં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આંતકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં અનેક દિવસો સુધી તેના પર સામૂહિક દુષ્કર્મ કરી અંતે તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ મૃતદેહ ડાઉનટાઉન શ્રીનગરના રસ્તા પર ફેંકી દીધો હતો.
પોલીસ અને સુરક્ષા એજન્સીએ આજે JKLFના આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં યાસિન મલિકનું ઘર પણ સામેલ છે. યાસિન મલિક પર પણ આતંકી પ્રવૃત્તિઓ કરવા તેમજ ફંડિંગનો કેસ ચાલી રહ્યો છે. જે તિહાર જેલમાં બંધ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભટ્ટે પંડિતોને સરકારી નોકરી છોડી દેવા અને ખીણ છોડવા માટે આતંકવાદીઓના આદેશોનો વિરોધ કર્યો હતો, અને JKLFના અધિકારને ખુલ્લેઆમ પડકાર્યો હતો, જેના કારણે તેની હત્યા થઈ હતી.