18, સપ્ટેમ્બર 2025
વડોદરા |
693 |
રેલવે દ્વારા હેલ્પડેસ્ક શરૂ
બુધવારની રાત્રે વલસાડી ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં આગના બનાવ બાદ ગુરૂવારે સવારે પણ ટ્રેન વ્યવહાર પર અસર રહી હતી અને ટ્રેનો મોડી પડી હતી.મુંબઇ સેન્ટ્રલથી વલસાડ તરફ જતી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન (નં. 59023)માં બુધવારે સાંજે એક મોટી ઘટના બની હતી. સાંજે લગભગ 7:56 વાગ્યે ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગતાં મુસાફરોમાં એક ક્ષણ માટે ગભરાટ ફેલાયો હતો. સદનસીબે, ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત બહાર આવી શક્યા હતા અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.મળતી વિગતો અનુસાર, ટ્રેન કેલવે રોડ સ્ટેશન નજીક પહોંચી રહી હતી ત્યારે અચાનક એન્જિનમાંથી જ્વાળાઓ અને ઘાટો ધુમાડો નીકળવા લાગ્યો હતો. ટ્રેનને તરત જ અટકાવવામાં આવી અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી. થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.આ ઘટનાને પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેના રેલવે ટ્રાફિક પર સીધી અસર પડી હતી. અનેક ટ્રેનો 1 થી 3 કલાક સુધી મોડું ચલાવવી પડી રહી હતી, જેના કારણે મુસાફરોને તકલીફ પડી હતી. યાત્રીઓને મદદરૂપ થવા માટે વલસાડ રેલવે વિભાગે તાત્કાલિક હેલ્પલાઇન ડેસ્ક સ્થાપિત કર્યું હતું. વલસાડ સ્ટેશન ઉપરાંત સુરત રેલવે સ્ટેશન પર પણ મુસાફરોને માહિતી આપવા માટે હેલ્પલાઇન ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું હતું.આકસ્મિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે અધિકારીઓએ તમામ તકેદારીઓ અપનાવી હતી. મુસાફરોને સલામત સ્થળે ઉતારીને ટ્રેનની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા જણાવાયું છે કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને આવા બનાવો ફરીથી ન બને તેની ખાતરી માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.