ગાંધીનગર-

હવામાન વિભાગની હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગત ૨૪ કલાકમાં રાજ્યના ૭૯ તાલુકામાં મધ્યમથી અતિભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં ૧૧ ઇંચ અને માંગરોળમાં ૫.૪ ઇંચ ખાબકયો છે. તો નર્મદાના ડેડિયાપાડામાં ૪ , તાપીના કુકરમુંડા અને નવસારીની ચિખલીમાં ૩-૩ ઇંચ વરસાદ ખાબક્્યો છે. સુરતના ઉમરપાડામાં બપોરના સમયે માત્ર ૨ કલાકમાં જ ૧૧ ઈંચથી વધુ વરસાદ વરસતા બજારના રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. બીજી તરફ વીરા નદી અને મોહન નદી ગાંડીતુર બની વહી હતી. આ નદી પર આવેલા ઘણા પુલો અને કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો.

હાલમાં આંધ્રપ્રદેશ કોસ્ટ પર બનેલ લૉ પ્રેશર સિસ્ટમ વીક છે. પરંતુ આ સિસ્ટમ ઓરિસ્સા, ઝારખંડ, યુ.પી તરફ મુવમેન્ટ કરશે. આ સિસ્ટમના કારણે બંગાળની ખાડી સાથે અરબ સાગર અને રાજસ્થાન તરફથી આવતા પવનો એક સાથે મળવાથી ગુજરાતમાં આગામી ૨૦ સુધી વરસાદની એક્ટિવિટી રહેશે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઇ શકે છે.

રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો ૪૧.૮ ઇંચ એટલે કે ૧૨૭.૮૯ ટકા વરસાદ વરસી ચૂક્્યો છે. જેમાં સૌથી વધુ ૨૬૯.૬૩ ટકા વરસાદ કચ્છમાં પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ૧૭૩.૯૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૧.૭૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૭.૭૫ ટકા અને મધ્ય ગુજરાતમાં ૯૩.૦૨ ટકા ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧૧ તાલુકામાં ૩૯.૩ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. ૧૨૫ તાલુકમાં ૧૯.૭થી ૩૯.૩ ઇંચ અને ૧૫ તાલુકામાં ૯.૮થી ૧૯.૬ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.