વડોદરા, તા.૧૩

વડોદરા શહેરમાં મંગળવારે સાંજે બે કલાકમાં બે ઇંચ વરસીને કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી. જાેકે, મેઘરાજાએ આજે વિરામ લેતા વહીવટ તંત્ર અને શહેરીજનોએ રાહત અનુભવી હતી. મંગળવારે ધોધમાર વરસેલા વરસાદમ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીનો આજે બિજા દિવસે પણ નિકાલ નહી થતા લોકોએ પાલિકા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.આમ ચોમાસા પૂર્વે ૨ કરોડનો ખર્ચ કરીને પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરનાર કોર્પોરેશનના સત્તાધિશોના દાવા પોકળ પુરવાર થયા છે. ચોમાસા પૂર્વે વિપક્ષ દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી થઇ ન હોવાના કરેલા આક્ષેપો સાચા સાબીત થયા છે.

મેઘરાજા એક પછી એક જિલ્લાને ધમરોળી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં મંગળવારે સાંજે ૨ ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. વડોદરાનો એક પણ વિસ્તાર એવો ન હતો કે, પાણી ભરાયા ન હોય,તમામ રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા હોવાથી લોકો અટવાઈ ગયા હતા.જેથી શહેરીજનોએ પાલિકા સામે ભારે રોષ વ્યક્ત કરીને પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

વડોદરા કોર્પોરેશનના સ્થાયિ સમિતિના ચેરમેનના નિવાસ સ્થાન નજીક રોડ ઉપર ભરાયેલા પાણીનો આજે સવાર સુધી પણ નિકાલ થયો ન હતો. પરિણામે રંગ વાટીકા સામે આવેલી વંદના વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઇ ન શકતા પરત ફર્યા હતા. આ ઉપરાંત ગાજરાવાડી ઈદગાહ મેદાન થી વિહાર ટોકીઝ જતા રોડ પર, આજવા રોડ એકતા નગર,તરસાલી-ઘનિયાવી રોડ, વાસણા-ભાયલી રોડ, ઉંડેરા-કોયલી રોડ,સહિત વિવિઘ સોસાયટીઓમાં આજે પણ પાણીનો નિકાલ નહી થતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ઠેર-ઠેર ભરાઇ ગયેલા પાણીનો કલોકો પછી પણ નિકાલ ન થતા, લોકોએ પાલિકાના વહીવટ સામે રોષ ઠાલવ્યો હતો.

કોર્પોરેશનના સત્તાધિશોના પ્રિ મોન્સૂન કામગીરી ૧૦૦ ટકા થઇ ગઇ હોવાના કરવામાં આવેલા દાવાઓ સામે વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થઇ છે. સત્તાધિશો દ્વારા પ્રિ મોન્સુન કામગીરીના દાવા ધરાર ખોટા છે. મંગળવારે થયેલા ભારે વરસાદે સત્તાધિશોના પ્રિ મોન્સૂનના દાવાની પોલ ખોલી નાંખી હતી.