અહિંયા છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ, જિલ્લા તંત્રએ NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખી
09, સપ્ટેમ્બર 2021

નવસારી-

જિલ્લામાં 2 દિવસથી અવિરત મેઘ મહેર રહી છે. આ સાથે જ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ મોડમાં પહોંચ્યું છે. આની સાથે જ વરસાદી માહોલને કારણે NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ જિલ્લાના તાલુકા અને શહેરોના અધિકારીઓને પણ સતર્ક રહી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં 2 દિવસોમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં ગઈકાલે નવસારીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, પણ વરસાદ નોંધાયો ન હતો. પરંતુ બપોરે 12 વાગ્યા બાદ મેઘાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ત્યારે નવસારીમાં 79 મીમી (3.29 ઈંચ), જલાલપોરમાં 68 મીમી (2.83 ઈંચ) અને ગણદેવીમાં 40 મીમી (1.66 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંસદમાં 8 મીમી અને ખેરગામ-ચીખલીમાં 5-5 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. એટલે જ તાલુકા વિકાસ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને નગરપાલિકાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય કે તરત જ તેના નિકાલની વ્યવસ્થા રાખવા પણ જણાવાયું છે. વરસાદને કારણે કોઈ આપત્તિમાં મુકાય તો મદદ માટે 1077 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેની સાથે જ NDRF ની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution