07, ફેબ્રુઆરી 2021
મુંબઈ-
ખેડૂત સમર્થનમાં હવે જ્યારે દેશ-વિદેશના કલાકારો અને રાજકારણીઓ પણ છાશવારે ટ્વિટ કરી રહ્યા છે ત્યારે, આ વિવાદ વધારે આગળ વધી રહ્યો છે અને આ સળગતા મુદ્દાનો ઉપયોગ કરીને ફ્લેશમાં આવી જવામાં કોઈ કસર છોડતું નથી.
વિદેશી કલાકાર રેહાના અને પર્યાવરણ કાર્યકર ગ્રેટા પછી હવે દેશના અનેક કલાકારો અને સ્પોર્ટ્સ પર્સન્સ ખેડૂતોના આંદોલન બાબતે ટીપ્પણી કરી રહ્યા છે. તાજેતરમાં તેંડુલકર દ્વારા ટ્વિટ કરાયા બાદ શરદ પવાર જેવા પીઢ રાજકારણીએ તેને સલાહ આપી હતી કે, જાહેર મુદ્દાઓ વિશે ટીપ્પણી કરતી વખતે તેણે થોડો સંયમ જાળવવો જોઈએ.
આ વિવાદમાં હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના યાને મનસે-ના વડા રાજ ઠાકરે પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે અને તેમણે હળવા મિજાજમાં કહ્યું હતું કે, સરકારે આવા વિવાદીત ટ્વિટ કરાવવા માટે લતા મંગેશકર અને સચિન તેંડુલકર જેવા સેલિબ્રિટીઝનો સહારો નહોતો લેવો જોઈતો, કેમ કે તેઓ આખરે ભારતરત્નથી સન્માનિત લોકો છે. હા, હજી અક્ષયકુમાર જેવા લોકો એવા કામ માટે ચાલી જાય. રેહાનાની ખેડૂત આંદોલન અંગેની ટીપ્પણી બાબતે ઠાકરેએ કહ્યું હતું કે તે કોણ છે, તેની તેમને ખબર નથી, પણ મુશ્કેલી એ છે કે, સરકાર ખુદ તેને જવાબ આપી રહી છે.