જયપુર-

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને બિહાર-હરિયાણાના રાજ્યપાલ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગન્નાથ પહાડિયાનું બુધવારે રાત્રે કોરોનાના કારણે અવસાન પામ્યા હતા. ૮૯ વર્ષિય પહાડિયાએ ગુડગાંવની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર રાજસ્થાન સરકારે એક દિવસનો રાજકીય શોક અને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. આ દરમિયાન, સરકારી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહેશે.

પહાડિયા ૬ જૂન ૧૯૮૦થી ૧૪ જુલાઈ ૧૯૮૧ સુધી માત્ર ૧૩ મહિના માટે રાજસ્થાનના મુખ્યમંત્રી રહ્યા હતા. પરંતુ આ ટૂંકા ગાળામાં પહાડિયાએ રાજ્યમાં સંપૂર્ણ રીતે દારૂબંધી લાગુ કઋ હતી. તેઓ ૧૯૫૭, ૧૯૬૭, ૧૯૭૧ અને ૧૯૮૦માં સાંસદ અને ૧૯૮૦, ૧૯૮૫, ૧૯૯૯ અને ૨૦૦૩માં ધારાસભ્ય પણ રહ્યા હતા. પહાડિયા ઇન્દિરા ગાંધી કેબિનેટમાં પણ મંત્રી રહ્યા હતા. તેમની પાસે નાણાં, ઉદ્યોગ, શ્રમ, કૃષિ જેવા વિભાગો હતા. તેઓ ૧૯૮૯ થી ૧૯૯૦ સુધી એક વર્ષ માટે બિહારના રાજ્યપાલ અને ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી હરિયાણાના રાજ્યપાલ પણ રહ્યા હતા.