રાજકોટ-

રાજકોટ શહેરમાં નકલી પત્રકાર બની પત્રકારના નામે તોડ કરી સ્પા સંચાલકને ધમકી આપનાર ૬ નકલી પત્રકારોની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. સ્પા કરાવ્યા બાદ રૂપિયા ન આપી સામે રૂપિયા પડાવવા કાવતરું રચી ખોટી ફરિયાદમાં ફસાવી દેવાનું કહી આરોપીઓએ સ્પા સંચાલકને ધમકી આપ્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નકલી પત્રકારોએ સોનાના ચેઇનની ચોરીનું કાવતરૂ ઘડી સ્પા સંચાલક પાસે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ રવિવારે બપોરના સમયે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી રોડ પરના અરિવા વેલનેશ એન્ડ હેલ્થ કેર સ્પા ખાતે ગત તારીખ ૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ બપોરના સમયે સગીર અને રવિ નામના બે યુવાન સ્પા કરાવવા માટે આવ્યા હતા. આ બંનેએ સ્પા કરાવ્યા બાદ બહાર રિશેપ્શન પર આવી સગીરનો સોનાનો ચેઇન ચોરી થઇ ગયો છે તેમ કહી બાદમાં નકલી પત્રકારની ઓળખ આપી હતી.

બાદમાં અન્ય સાગરીતોને બોલાવી સ્પામાં ગોરખધંધા ચાલે છે અને ચેઇન ચોરી કરવામાં આવ્યો હોવાનું કહી ફેસબુક પર વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. બાદમાં સ્પા સંચાલક પાસે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી. જાે મેટર પતાવવી હોય તો રૂપિયા આપવા જ પડશે તેમ કહી નકલી પત્રકારોએ ફરિયાદી સ્પા સંચાલકને બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં ફરિયાદી સ્પા સંચાલકે નકલી પત્રકારો રવિ, મયુર, ગૌતમ, સંજય, સુરેશ અને એક સગીર સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.