રાજકોટ-

સામા કાંઠે ચંપકનગર-૩માં ૧૧ દિવસ પહેલા ૨૬મીએ બપોરે ત્રણેક વાગ્યે શિવ જ્વેલર્સ નામના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી ત્રણ લૂંટારૂઓએ વેપારી મોહનભાઇ વિરમભાઇ ડોડીયા (ઉ.વ.૫૨)ને ચાંદીની વીંટી બતાવવાનું કહ્યા બાદ માર મારી લમણે રિવોલ્વર તાંખી રૂ. ૮૨,૨૬,૯૦૦ના ૨ કિલો ૭૦૦ ગ્રામ સોનાના દાગીના તથા ૨,૫૦,૦૦૦ના ૨ કિલો ચાંદીના દાગીના અને રોકડા રૂ. ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૮૫,૪૬,૯૦૦ની મત્તાની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ જતાં જતાં વેપારી મોહનભાઇને શો રૂમની વિશાળ તિજાેરીમાં પુરી દીધા હતાં. આ ઘટનાનો ભેદ શહેર ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝન પોલીસની ટીમોએ ઉકેલી નાંખી આંતર રાજ્ય લૂંટારૂ ટોળકીના ૪ શખ્સોને લૂંટના મુદ્દામાલ સાથે હરિયાણાથી પકડી લીધા છે. જેમાં એક પૂર્વ (ભાગેડૂ) ફૌજી પણ સામેલ છે. તેણે અત્યાર સુધીમાં લૂંટના અનેક ગુના આચર્યા છે.

ક્રાઇમ બ્રાંચે ચાર લૂંટારા અવિનાશ ઉર્ફ ફૌજી ઉત્તમસિંગ બ્રહ્માસિંગ સિકરવાર (ઉ.વ.૨૩-રહે. ઘરડઘરપુરા મહોલ્લા, ધોલપુર રાજસ્થાન), શુભમ સોવરનસિંગ કુંતલ (ઉ.વ.૧૯-રહે. અજાન ભરતપુર રાજસ્થાન), સુરેન્દ્ર હમીરસિંગ ભરતાઇ (ઉ.વ.૨૦-રહે. બરતાઇ ગામ ભરતપુર રાજસ્થાન) તથા બિકેશ કમ્હેશરસિંગ પરમાર (ઉ.વ.૨૦-રહે. આંતરસુમ્હા ગામ તા. બસેરી જી. ધોલપુર રાજસ્થાન)ને દબોચી લીધા છે. જ્યારે પાંચમા આરોપી સતિષ સોવરનસિંગ ઠાકુર (રહે. સિધ્ધનગર કોલોની મોરેના મધ્યપ્રદેશ)ને પકડવાનો બાકી છે. પકડાયેલા લૂંટારૂઓ પાસેથી પોલીસે કુલ રૂ. ૬૧,૪૩,૮૪૧નું ૧૮૬૧ ગ્રામ અને ૭૭૦ મિલીગ્રામ સોનુ, રોકડા રૂપિયા ૯૪ હજાર મળી કુલ રૂ. ૬૨,૩૭,૮૪૧નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ગત રાતે એક ટીમ હજુ રાજસ્થાન ધોલપુર રોકાઇ હોઇ ત્યાંથી આ ટીમે વધુ ૨ કિલો ચાંદી કબ્જે રિકવર કર્યુ છે. લૂંટની આ ઘટનાનો ભેદ કઇ રીતે ઉકેલાયો? કઇ રીતે પોલીસે કામની વહેંચણી કરી ટીમો બનાવી કાર્યવાહી કરી? તે સહિતની વિસ્તૃત વિગતો અહિ આપી છે.
૮૫ાા લાખની લૂંટની ઘટના બી-ડિવીઝનમાં દાખલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલા માર્ગદર્શન મુજબ કામની વહેંચણી કરવામાં આવી હતી. તે મુજબ ટેકનીકલ, સી.સી.ટી.વી. કેમેરા, ખાનગી બાતમીદારો તેમજ ગુન્હાહીત ઇતીહાસના આધારે ક્રાઇમ બ્રાન્ચ તેમજ બી-ડિવીઝન પોલીસ દ્રારા તપાસની શરૂઆત થઇ હતી.