સુરત, રાજકોટનાં ધાનક પિતા-પૂત્ર દુબઇમાં બેસી શેરબજાર અને કરન્સી ટ્રેડિંગનાં નામે દેશવ્યાપી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતાં હોવાનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે. સુરતમાં આઇવી ટ્રેડ અને રાજકોટમાં સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસમાં સાયબર સેલે દરોડો પાડી રોકડા ૪૦ લાખ ઉપરાંત ડિજિટલ ડોક્યુમેન્ટ કબજે લીધા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં જ ૩૫૦ કરોડનાં ચીટિંગનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચનાં ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે, શેર બજારમાં ટ્રેડિંગ કરી અઢળક નફો કમાવો એવી સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાતો મૂકી લોકોને ફસાવતી ટોળકી અંગે સાયબર સેલ તપાસ કરી રહી હતી. આ દરમિયાન મળેલી માહિતીના આધારે ઉત્રાણમાં વીઆઈપી સર્કલ પાસે પ્રગતિ આઈટી પાર્ક બિલ્ડીંગ ૯માં માળે આવી આઈવી ટ્રેડ નામની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓફિસમાંથી રોકડા ૨૦.૦૩ લાખ, ૧.૫૨ લાખ કિંમતના ૦૪ મોબાઇલ, ૨.૧૦ લાખના ૦૫ લેપટોપ, ૯૫ હજાર કિંતના ૦૪ ટેબલેટ વિગેરે સાથે ત્રણ કર્મચારીને અટકાયતમાં લેવાયા હતાં. વિશાલ ગૌરાંગ દેસાઈ, અલ્પેશ લાલજી વઘાસીયા અને ઝરીત હિતેશ ગોસ્વામીની પુછપરછમાં જણાયું હતુ કે, તેઓ અહીં શેરબજાર તથા ફોરેક્સ કરન્સી ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટને લગતું કામ કરે છે. ઓફિસના માલિક દિપેન નવીનચંદ્ર ધાનક અને નવીનચંદ્ર દયાલાલ ધાનક (રહે. શીપન ઓનિક્સ વીંગ-૧ ગંગોત્રી પાર્ક, યુનીવર્સીટી રોડ,રાજકોટ) હાલ દુબઇ રહે છે. તેઓની રાજકોટના શીતલપાર્ક ખાતે પ્રિઝમ ટાવરમાં સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટનાં નામે પણ ઓફિસ છે. હાલ આ ઓફિસ દિપેનનો ભાઈ ડેનીશ ઉર્ફે હેમલ સંભાળે છે. ઉત્રાણ ખાતેની આઈવી ટ્રેડ ઓફિસમાં કરાયેલી તપાસમાં રોકાણનાં નામે ચીટિંગ કરાતું હોવાના ડોક્યુમેન્ટ મળ્યા બાદ રાજકોટ ખાતેની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી રોકડા ૧૯.૮૫ લાખ, ૧.૨૫ લાખ કિંમતનાં ૦૩ મોબાઇલ કબજે લેવાયા હતાં. બે ઓફિસમાંથી મળેલા બેંક એકાઉન્ટની પ્રાથમિક તપાસમાં ૨૩૫.૪૨ કરોડનાં વ્યવહાર મળ્યાં હતાં. આ રૂપિયા તેઓએ શેરબજારમાં રોકાણની સ્કીમમાં લોકોને ફસાવી ઉસેટ્યાં હતાં. આ ઉપરાંત ૧૦૦ કરોડથી વધુની રોકડ આંગડિયા મારફત હેરફેર કરાવ્યાના પુરાવા પણ હાથ લાગ્યા છે. પોલીસે હાલ ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાનક, (રહે, શિલ્પાન ઓનીક્ષ એપાર્ટમેન્ટ, યુનિવર્સિટી ૮૦ ફુટ રોડ, રાજકોટ) ઉપરાંત જયસુખ રામજીભાઇ પટોળીયા (રહે, નંદ પાર્ક એપાર્ટમેન્ટ, અંકુર સોસાયટી, એ.કે. રોડ, સુરત. મૂળ રહે. પ્રેમપરા, તા.-ધારી, જી. અમરેલી) તથા યશ કાળુભાઇ પટોળીયા (રહે. ઓમકાર એવન્યુ, રજવાડી પાર્ટી પ્લોટ પાસે, અમરોલી સુરત. મુળ રહે પ્રેમપરા ગામ,તા.ધારી)ની ધરપકડ કરાઇ હતી. તેઓની તપાસમાં ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગનાં નામે ચાલતા દેશવ્યાપી સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે.
દિપેન ધાનક સાયબર ફ્રોડનું રેકેટ ત્રણ વર્ષથી ચલાવે છે
દિપેન ધાનકે રોકાણનાં નામે લોકો પાસેથી પૈસા લેવા માટે કોઇપણ પ્રકારની સરકારી મંજુરી મેળવી ન હતી. આમ છતાં તેણે સને ૨૦૨૨ થી સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, પ્રાવીયો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ તથા ડીજીપોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનાં નામે ખોટી કિંમતી જામીનગીરીઓ ઉભી કરી હતી. બોગસ દસ્તાવેજથી ઉભી કરાયેલી કંપનીઓનાં નામે અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવાયા હતાં. ત્યારબાદ ઉત્રાણમાં વીઆઇપી સર્કલ પાસે પ્રગતિ આટી પાર્કમાં ઇનોવેટિવ ટ્રેડ અને રાજકોટમાં શીતલ પાર્ક ચોક પાસે, ધ સ્પાયર બિલ્ડીંગમાં ૧૧માં માળે સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામથી ઓફિસ કરી હતી.
રોકાણનાં બહાને પડાવાતા રૂપિયા આંગડિયા મારફત દુબઇ મોકલાતા
સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ અને આઇવી ટ્રેડ કંપનીની વેબસાઇટ દ્વારા ફોરેક્ષ માર્કેટમાં કરન્સી ટ્રેડિંગ માટે ગ્રાહકો દ્વારા અપાતા રૂપિયા દિપેનની સૂચના અનુસાર કેશીયર ઝરીત ગોસ્વામી મારફતે પી.એમ. આંગડીયાની સરથાણા તથા મોટા વરાછા શાખા મારફતે મોકલાતા હતાં. રૂપિયા જમા કરાવ્યાની આંગડિયાની સ્લીપના ફોટા ઝરીત દિપેનને વોટ્સએપ પર મોકલી દેતો હતો. આ ઉપરાંત દિપેને સિંગલ નામની મેસેન્જર એપ્લિકેશન માં કેશ, બેંક અને ક્રિપ્ટો ડીપોઝીટ-વિથડ્રો એવા ગ્રુપ બનાવ્યાં હતાં. જેમાં પણ આંગડિયાનાં સ્લીપનાં ફોટા તથા કસ્ટમરની ડીટેઇલ મોકલવામાં આવતી હતી. દુબઈ ખાતે આંગડિયા તથા યુએસડીટીનો તમામ હિસાબ કેશિયર બંટી પરમાર સંભાળતો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.
મહિને ૭ થી ૧૧ ટકા સુધીનાં રીટર્નની લોભામણી જાહેરાત
ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાનાં માધ્યમથી ધાનક એવી જાહેરાત કરતો હતો કે, સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટના માધ્યમથી શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી દર મહિને ૦૫ ટકા રીટર્ન આપવામાં આવશે. આ ઉપરાંત આઇવી ટ્રેડ ના માધ્યમથી કરન્સી ટ્રેડિંગનાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન રજુ કરાયા હતાં. જેમાં (૧) એક્ષપ્રેસ પ્રો પ્લાનમાં ઓછામાં ઓછા ૧,૦૦,૦૦૦ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી કંપની દર મહિને ૭ ટકા પ્રોફીટ રીટર્ન આપશે (૨) એક્સપ્રેસ ડાયમંડ પ્લાનમાં ઓછામાં ઓછા ૯,૦૦૦ રૂપિયા રોકાણ કરવાથી દર મહિને ૧૧ ટકા લેખે ૧૮ મહિના સુધીમાં મુદ્દલ સાથે રીટર્ન કરવામાં આવશે.
ઓફિસમાંથી મળેલા બેંક એકાઉન્ટ સામે દેશભમાં ૨૬ ફરિયાદ નીકળી
સાયબર ક્રાઇમ પોલીસે ધાનકની સુરત અને રાજકોટ ઓફિસમાં દરોડા પાડી તપાસ કરી હતી. તપાસમાં જે બેંક એકાઉન્ટ મળી આવ્યા એને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર મૂકી ચેક કરાયા હતાં. સાયબર ફ્રોડમાં મોટા ભાગે બેંક એકાઉન્ટ નંબરનો ઉલ્લેખ કરાયો હોય નેશનલ રેકર્ડ પણ એ રીતે જ ક્રીએટ કરાયા છે. આ પોર્ટલ પર ધાનક પાસે મળેલા એકાઉન્ટ સામે ૨૬ ફરિયાદો નીકળી હતી. જેમાં બિહારમાં એક, હરિયાણામાં બે, ઝારખંડમાં એક, કર્ણાટકમાં પાંચ, મહારાષ્ટ્રમાં બે, તામિલનાડુમાં બે, તેલંગાણામાં બે, ઉત્તર પ્રદેશમાં ચાર, કેરળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને મણીપુરમાં એક એક તથા પશ્ચિમ બંગાળમાં સાયબર ફ્રોડની બે ફરિયાદ નોંધાઇ હોવાનું બહાર આવ્યું છે.
રોકાણકારો જ એજન્ટ બને એવી બોનસ સ્કિમ બનાવી
ધાનકે તેના ફ્રોડનો બિઝનેસ વિસ્તારવા જુની અને જાણીતી મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ અમલી બનાવી હતી. તેણે જે રોકાણકાર બીજા ઇન્વેસ્ટર લઇ આવે તેમને કંપની તરફથી રેંક રીવર્ટ આપવાની જાહેરાત કરાઈ હતી. જેમાં ૨૫,૦૦૦ ડોલર ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હોય તો બ્રોન્ઝ, ૫૦,૦૦૦ ડોલર ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હોય તો સીલ્વર, ૧,૦૦,૦૦૦ ડોલર ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હોય તો ગોલ્ડ અને ૨,૫૦,૦૦૦ ડોલર ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હોય તો પ્લેટીનમ રેન્ક આપવામાં આવશે. આ રેન્ક અનુસાર આકર્ષક બોનસ આપવાની લોભામણી વાતો કરી બેંક એકાઉન્ટ તથા આંગડિયા મારફતે રૂપિયા મેળવી લેતા હતાં. આ ઉપરાંત ગ્રાહકોને આકર્ષવા માટે થાઈલેન્ડ, વરાછા રીયો કાર્નિવલ અને દમણમાં ગોલ્ડ બીચ રિસોર્ટમાં પાર્ટી અને સેમિનાર પણ યોજવામાં આવ્યા હતાં.
૧૪ વ્યક્તિ સામે ગુનો નોંધાયો
દિપેન નવીનચંદ્ર ધાનક
(રહે, સિપોન ઓનીક્સ વિંગ એ ૧ ગંગોત્રી પાર્ક બીટી સ્વામી હોસ્પિટલ સામે યુનિવર્સીટી રોડ, રાજકોટ)
નવીનચંદ્ર દયાલાલ ધાનક
(રહે. સિપોન ઓનીક્સ વિંગ એ ૧ ગંગોત્રી પાર્ક બીટી સ્વામી હોસ્પીટલની સામે યુનિવર્સીટી રોડ રાજકોટ)
ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાનક
(રહે. સિપોન ઓનીક્સ વિંગ એ ૧ ગંગોત્રી પાર્ક બીટી સ્વામી હોસ્પીટલ સામે, યુનિવર્સીટી રોડ રાજકોટ)
જયસુખભાઇ રામજી ભાઈ પટોળીયા
(રહે. નંદ પાર્ક એપાર્ટમેન્ટ અંકુર સોસાયટી એકે રોડ સુરત)
યશકુમાર કાળુભાઇ પટોળીયા
(રહે, ઓમકાર એવન્યુ, રજવાડી પાર્ટી પ્લોટ પાસે, કોસાડ, સુરત)
સૌરવ જયેશભાઇ સાવલીયા
(રહે, જીવનદીપ પાર્ક, અક્ષરધામ સોસાયટી પાસે, કઠોદરા રોડ, સરથાણા જકાતનાકા)
વિપુલકુમાર કાંતીભાઇ સાવલીયા
(રહે, શ્રીરામ નગર, આદર્શ સોસાયટીની બાજુમાં, હિરાબાગ, સુરત)
વિશાલ ગૌરાંગભાઇ દેસાઇ
(રહે, ડીવાઇન ડીઝાયર, એલ.પી.સવાણી સ્કુલ પાસે, પાલનપુર જકાતનાકા)
અલ્પેશ લાલજીભાઇ વઘાસીયા
(રહે, ધર્મભક્તિ બંગલોઝ, રંગોલી ચોકડી પાસે, વેલંજા, સુરત મુળ -રાવણા તા.ગોંડલ જી.રાજકોટ)
ઝરીત હિતેશભાઇ ગોસ્વામી
(રહે, રૂકમણી સોસાયટી, સવજી કોરાટ બ્રિજ પાસે, સીમાડાનાકા, સુરત. મુળ, વેરાવળ, જી.ગીર સોમનાથ)
હરીશ મકવાણા - તરૂણભાઇ - બંટી પરમાર - મયુર સોજીત્રા
Loading ...