રાજકોટ: મહિલા બુટલેગર સહિત 8 લોકોની વિદેશી દારૂ સાથે પોલીસે કરી ધરપકડ
26, નવેમ્બર 2020 1782   |  

રાજકોટ- 

નવા વર્ષની પાર્ટી યોજાવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસે એક બાદ એક વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ રાજકોટ શહેર એસ.ઓ.જીએ માત્ર ૨૪ કલાકના સમયગાળા દરમિયાન ત્રણ જેટલી જગ્યાએથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ત્રણ જેટલી જગ્યાએથી કુલ આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, અમારી ટીમના પીએસઆઇ એમ.વી. રબારીની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક વ્યક્તિઓ બોલેરો પીકઅપ વાનમાં શાકભાજીના કેરેટની આડમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુવાડવા ખાતે નેશનલ હાઈવે પરના સોખડા ગામના રસ્તા પહેલા ઇન્ડિયન ગેસ બોટલિંગ પ્લાન્ટ પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

તો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે શહેરના સાધુ વાસવાણી રોડ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્રાન્ડની અલગ અલગ કંપનીની ૧૮ જેટલી બોટલ કબજે કરી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ વનરાજસિંહ જાડેજાની ટીમને બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજીનગર ક્વાર્ટર બ્લોક નંબર બી-૨૩માં રહેતા રેશ્માબેન દુધરેજીયાના ક્વાર્ટરમાં દારૂનો જથ્થો સંઘરી રાખવામાં આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા રૂપિયા ૧૫,૩૦૦ની કિંમતનો દારૂ મળી આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી રેશ્માબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ કુવાડવા રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત ચાર આરોપીઓની ૧૬.૩૦ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ પણ કરવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution