રાજકોટ-

ગોંડલ વિસ્તારમાં ગુનાખોરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 12 જેટલા આરોપીઓ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રથમ વખત નવા બનાવમાં આવેલા કાયદા ગુજસીટોક મુજબ ગુનો નોંધ્યો છે. આ ટોળકી વિરુદ્ધ વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 117 જેટલા ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. જેને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તમામ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ચકાસીને ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગોંડલમાં રહેતો નિખિલ દોંગા નામનો ઈસમ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ સૂત્રધારે વર્ષ 2003થી ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી હતી, જ્યારે તેની સાથે પણ અલગ અલગ ઈસમો દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ આચરવામાં આવ્યા હતા. હત્યા, હત્યાનો પ્રયાસ, ધાક-ધમકી, જમીન- મિલકત પચાવી પાડવી સહિતના ગુનાઓ આ ટોળકી દ્વારા આચરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અત્યાર સુધીમાં આ ટોળકીએ રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પણ પોતાનો આંતક ફેલાવ્યો હતો.

રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર નિખિલ દોંગા ગોંડલ સબ જેલમાં હતો, ત્યારે જેલમાંથી પણ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને ગેંગને ઓપરેટ કરતો હતો. જેલ પ્રસાશન દ્વારા પણ આ ગેંગની જડતી દરમિયાન મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જેલમાં પણ કર્મચારીઓ સાથે ફરજમાં રુકાવટ જેવા ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા હતા. આ સમગ્ર માહિતી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એકઠી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઈસમો વિરુદ્ધ નવા કાયદા ગુજસીટોક મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.