05, જુલાઈ 2025
1584 |
ગાંધીનગર, રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી નેતા અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે થયેલા ક્ષત્રિય આંદોલનને મજબૂતી આપનાર પી.ટી. જાડેજાની ધરપકડથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજાની ધરપકડ કરાઇ હતી અને તેમને પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ પાસા- હેઠળ સાબરમતી જેલમાં મોકલી દેવાયા છે. આ ઘટના બાદ ક્ષત્રિય સમાજના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા, જેના કારણે રાજકોટમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરના પૂર્વ ટ્રસ્ટી છે. પી. ટી. જાડેજા દ્વારા બે દિવસ અગાઉ અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા માટે મંદિરના સ્વયં સેવક અને કારખાનેદાર એવા જસ્મિન મકવાણાને ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને રાજકોટ તાલુકા પોલીસે ગંભીર ગુનો ગણીને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી અપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ધમકીની ઘટના ઉપરાંત પી. ટી. જાડેજાની ગત વિધાનસભાની ચૂંટણી સમયે પાટીદાર અગ્રણી અને ભાજપના નેતા તેમજ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં સક્રિય ભૂમિકા હતી. તેમજ પી. ટી. જાડેજાની સામાજિક અને રાજકીય ગતિવિધિઓ પણ તેમની ધરપકડનું એક કારણ હોવાનું મનાય છે. રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પાસા હેઠળ ધરપકડ કરીને પી. ટી. જાડેજાને સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે.
પી. ટી જાડેજાની ધરપકડ અને પાસાથી નવો વિવાદ
વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના નેતા પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો અંગે કરેલ નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન શરૂ થયું હતું. આ ક્ષત્રિય આંદોલનમાં પી. ટી. જાડેજાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પી.ટી. જાડેજાની ધરપકડ કરીને તેમની સામે પાસાની કાર્યવાહી કરી છે, જેના કારણે ગુજરાતના રાજકીય વાતાવરણમાં નવો વિવાદ ઊભો થયો છે. ક્ષત્રિય સમાજના આંદોલન દરમિયાન જાડેજાની ભૂમિકા અને તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ ધરપકડને રાજકીય હેતુથી પ્રેરિત હોવાનો કેટલાક ક્ષત્રિય આગેવાનો દ્વારા આક્ષેપ કરાયો છે. આ ઘટનાને લઈને રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં તણાવનું વાતાવરણ છે, અને પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકરો હવે આ ધરપકડ સામે વિરોધની રણનીતિ ઘડવા માટે બેઠકો યોજી રહ્યા છે. સાથે જ, કેટલાક આગેવાનોએ આ મામલે કાનૂની લડત આપવાની જાહેરાત કરી છે. આ ઘટના ગુજરાતના સામાજિક અને રાજકીય પરિદૃશ્ય પર લાંબા ગાળાની અસર કરી શકે છે.