રાજકોટ-

ધ્રોલના દિવ્યરાજસિંહ જાડેજાના જાડેજાના ચર્ચાસ્પદ હત્યાના બનાવમાં છ માસથી વોન્ટેડ બે આરોપીઓને રાજકોટ રેન્જ તથા જામનગર એલસીબીની ટીમે દબોચી લીધા હતાં. બન્ને પાસેથી ત્રણ પિસ્તોલો મળી આવતા કબ્જે કરાઇ છે.

મળતી માહિતી મુજબ આ અંગે રેન્જ આઇ.જી. કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા રેન્જ આઇ.જી.પી. સંદીપસિંહે જણાવ્યું હતું કે, ગત ૬-૩-ર૦ર૦નાં રોજ ધ્રોલ ત્રિકોણબાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવીરસિંહ જાડેજા રે. ગાયત્રીનગર ધ્રોલ ઉપર ચાર શખ્સોએ સરાજાહેર ફાયરીંગ કરી હત્યા કરી નાંખી હતી. આ બનાવમાં અગાઉ અનિરૂધ્ધસિંહ સોઢા રે. જામનગર, મુસ્તક રફીક પઠાણ, અજીત વિરપાલસિંહ ઠાકુર તથા અખલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુરની ધરપકડ કરાઇ હતી અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું. મૃતક દિવ્યરાજસિંહ તથા આરોપી અનિરૂધ્ધસિંહ સોઢાને પડધરી ટોલનાકે વાહન પસાર કરવા બાબતે થયેલ તકરારનો ખાર રાખી અનિરૂધ્ધસિંહે પૂર્વયોજીત કાવત્રુ રચી દિવ્યરાજસિંહની હત્યા કરી નાંખી હતી.આ ગુન્હામાં શુટરો બોલાવી રેકી કરાવનાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા રે. હાડાટોડા તા. ધ્રોલ તથા મૃતકની પ્રવૃતિ ઉપર વોચ રાખી રેકી કરનાર નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા રે. હાડાટોડા તા. ધ્રોલ ફરાર હોય બન્ને વિરૂધ્ધ કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ મેળવવામાં આવેલ તેમજ લુકઆઉટ નોટીસ પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

દિવ્યરાજસિંહ જાડેજાની હત્યાના ગુનામાં સંડોવાયેલા રાજકોટના જામનગર રોડ પર રહેતા અનિધ્ધસિંહ સોઢા, અખીલેશ ઉર્ફે બબલુ રામદાસ ઠાકુર, અજીત વિરપાલસિંહ ભાટ્ટી અને મુસ્તાક રફીક પઠાણની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ દરમિયાન તેને પડધરી ટોલ નાકા પર માથાકૂટ થઇ હતી તેમજ અગાઉ જમીન બાબતે પણ તેની સાથે વિવાદ થયો હોવાથી હત્યા કર્યાની કબુલાત આપી છે.

દિવ્યરાજસિંહ જાડેજાની હત્યાના ગુનામાં સંડોવાયેલા હાડાટોડાના ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજાએ શાર્પ શુટરને બોલાવી દિવ્યરાજસિંહ કયારે કયા વાહનમાં નીકળે છે તે અંગેની વોચ રાખી હોવાનું ખુલતા તેઓ છેલ્લા છ માસથી ફરાર થઇ હતા. બંને શખ્સો ચોટીલા હોવાની બાતમીના આધારે જામનગર એલસીબી પી.આઇ. એમ.જે.જલુ, પી.એસ.આઇ. કે.કે.ગોહિલ, સાઇબર સેલના પી.એસ.આઇ. આર.એ.ડોડીયા સહિતના સ્ટાફે બંનેની ત્રણ પિસ્તોલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી છે.