હાઈપ્રોફાઈલ રેપકાંડમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની જામીનઅરજી નામંજૂર
21, જાન્યુઆરી 2022 594   |  

વડોદરા, તા.૨૦

રાજ્યભરમાં ચકચાર મચાવનાર ચાર્ટડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મંદિરના પુર્વ ટ્રસ્ટીએ પરપ્રાંતીય યુવતી પર આચરેલા બળાત્કારના હાઈપ્રોફાઈલ કેસમાં સંડોવાયેલા આરોપી રાજુ ભટ્ટની જામીન અરજી અત્રેની કોર્ટે નામંજુર કરી છે. આ જામીન અરજી નામંજુર કરવા માટે ખાસ નિયુક્તી કરાયેલા સરકારી વકીલે વાઘોડિયાની પારુલ યુનિ.ના પુર્વ સંચાલક જયેશ પટેલ જે પણ બળાત્કારના ગુનામાં સંડોવાયેલા હતા તેમના સહિત અન્ય બળાત્કારના કેસમાં જામીન અરજી નામંજુર કરાઈ હતી તેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

પોતાના ઓફિસમાં ફરજ બજાવતી ૨૪ વર્ષીય સ્વરૂપવાન યુવતી પર પોતે બળાત્કાર ગુજાર્યા બાદ જમીનની ડીલ કરવા માટે પોતાના ઈન્વેસ્ટર મિત્ર રાજુ ભટ્ટ સાથે પણ શરીરસંબંધ બાંધી તેને ખુશ કરી દેવા માટે મોકલી આપનાર

દિવાળીપુરા વિસ્તારની રોકડનાથ સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષીય ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક આસ્કરણ જૈને પોતાની ઓફિસમાં લાયઝનીંગા કામ માટે મુળ હરિયાણાની એક સ્વરૂપવાન યુવતીને નોકરીએ રાખી તેને દિવાળીપુરામાં ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. અશોક જૈને ઉક્ત યુવતીને વાસણારોડ પર હેલીગ્રીન ખાતે ૭માં માળે પેન્ટહાઉસમાં લઈ જઈ કેફીપીણુ પીવડાવી બેભાન કરીને બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેણે જમીનની ડીલ કરવા માટે પોતાના ઈન્વેસ્ટર મિત્ર અને જે તે સમયના પાવાગઢ મંદિરના ટ્રસ્ટી એવા ૫૬ વર્ષીય મિત્ર હેમંત ઉર્ફ રાજુ ત્ર્યંબકલાલ ભટ્ટ (મિલનપાર્ક સોસાયટી, નિઝામપુરા) પાસે યુવતીને મોકલતા રાજુ ભટ્ટે પણ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો જે દુષ્કર્મના ફોટા યુવતીના મિત્ર બૂટલેગર અલ્પુ સિંધી પાસે પહોંચ્યા હતા. આ બનાવની યુવતીએ અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરુધ્ધ ગોત્રી પોલીસ મથકમાં બળાત્કાર, સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય, હુમલો અને ધમકી સહિતના ગુનાની ફરિયાદ નોંધાવતા બંને આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

આ પૈકી અશોક જૈન જામીન પર મુક્ત થતા રાજુ ભટ્ટે પણે અત્રેની ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન પર છુટવા અરજી કરી હતી. તેની અરજી સામે પોલીસે સોગંદનામુ કર્યાં બાદ આ કેસમાં ખાસ નિયુક્ત કરાયેલા સરકારી વકીલ પી.જે.ઠક્કરે અરજદાર સામે આરોપ પુરવાર થાય તેવા ફોટોગ્રાફ્સ સહિતના પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી રાજુ ભટ્ટની જામીન અરજી નામંજુર કરવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જામીન અરજી નામંજુર કરવા માટે સરકારી વકીલે બહુચર્ચિત પારુલ યુનિ.ના પુર્વસંચાલક જયેશ ખેમચંદ પટેલે તેના જ કોલેજની એક વિદ્યાર્થિની યુવતી પર ગુજારેલા બળાત્કાર બાદ તેમની પણ જામીન અરજી હાઈકોર્ટમાં નામંજુર કરાઈ હોવાનો કિસ્સો ખાસ ટાંક્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution