ગાંધીનગર-

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નિયુક્તિએ ખુદ ભાજપમાં પણ આશ્ચર્ય જગાવ્યું હતું અને અનેકના ભવા પણ ઉંચકાયા હતા તો ત્યારબાદ સી.આર.એ અનેક નિવેદનો કરીને તેઓ ખુદ કયા એજન્ડા સાથે આવ્યા છે તે પણ દર્શાવવા પ્રયત્ન કરી રહ્યા છે. દિલ્હીની જ પસંદગી હોવાથી હાલ તો ગુજરાત ભાજપ પાટીલની લાઈનમાં આવી ગયું. જો કે તેઓ ખુદના વિધાનોથી 24 કલાકમાંજ વિરોધાભાસી દ્રશ્યો પણ સર્જી રહ્યા છે અને તેઓએ 2022માં 150 બેઠકો જીતવાનું લક્ષ્‍યાંક જાહેર કરીને 2017ની યાદ અપાવી છે. 

તેઓ ગુજરાતી નથી તે મહેણુ ટાળવા માટે ભાજપે 'સવાયા-ગુજરાતી' હેશટેગથી ટવીટર પર તેમને ગુજરાતી તરીકે સ્થાપવા કોશીશ કરી હતી. પાટીલે પ્રમુખ પદે નિયુક્ત થયા બાદ છૂટથી ઈન્ટરવ્યુ આપી રહ્યા છે જેથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ 'સેકન્ડ ફીડલ' વગાડતા હતા તેવું તે પસંદ કરતા નથી અને સમાંતર રીતે તેઓ પક્ષનું સંચાલન કરશે તે સંકેત આપી દીધો છે. તેઓએ પ્રદેશ પ્રમુખ તરીકે તેમની વરણીને પક્ષના જ કાર્યકર્તા પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે. 

કોઈ જ્ઞાતિ-જાતિના પીઠબળ વગર પણ અને આ ઉચ્ચ સ્થાન મળ્યું છે. જે એક સંદેશ છે કે પાયાના કાર્યકર માટે પક્ષમાં સ્થાન છે. આ ભાજપમાંજ શકય છે. પાટીલ પર સાઉથ ગુજરાત અને ખાસ કરીને સુરત-નવસારીના રાજકારણ પર પ્રભુત્વ ધરાવનાર તરીકેની છાપ છે જયારે પ્રદેશ પ્રમુખ તરીકે તેઓએ સમગ્ર ગુજરાતને ધ્યાનમાં લેવાનું છે. તેના પર પ્રતિભાવ આપતા પાટીલે સ્વીકાર્યું કે તેઓએ દક્ષિણ ગુજરાત બહાર કામ કર્યુ નથી પણ મારી સાથે ટીમ ભાજપ છે જે ખુબજ મજબૂત છે અને મજબૂત સંગઠન છે તથા ટુંક સમયમાં હું સમગ્ર રાજયનો પ્રવાસ કરીશ. 

પેટાચૂંટણીઓ પર શ્રી પાટીલે કહ્યું કે અમો તમામ આઠ ધારાસભા બેઠકો જીતશું અને 2015 કરતા પંચાયત-ચૂંટણીઓમાં વધુ સારો દેખાવ કરીશું. 2022 અંગે પક્ષનો પ્લાન જાહેર કરતા શ્રી પાટીલે સ્વીકાર્યુ કે 2017માં અમો 99 બેઠકો જીતી શકયા હતા પણ અમો 2022માં ભાજપને આગામી ચૂંટણીમાં રામમંદિર નિર્માણનો મુદો મહત્વની સફળતા અપાવશે તેવો સંકેત આપતા પાટીલે કહ્યું કે અમોએ મંદિરનું વચન આપ્યું છે. 

તે અમોને 2022માં જીત માટે મદદ કરશે. આમ શ્રી પાટીલે 2022નો પક્ષનો એજન્ડા પણ સામે મુકી દીધો છે અને 150 બેઠકો મંદિરના આધારે જીતવામાં તેમને મદદ મળશે તેવો સંકેત આપી દીધો છે.