વડોદરા, તા. ૪

યુવાવર્ગને પ્રાયવર્સી પુરી પાડવાના બહાને કોફી શોપમાં શરૂ થયેલા કપલબોક્સમાં પ્રેમીયુગલો દ્વારા વાંધાજનક હરકતો થતી હોઈ અને યુવાવર્ગ દ્વારા માદકદ્રવ્યોને ઉપયોગ કરતા હોવાની વિગતો મળતાં શહેર પોલીસે કોફી શોપમાં કપલ બોક્સ પર પ્રતિબંધ મુક્યો છે અને શહેરમાં વિવિધ સ્થળોએ ચાલતા કપલ બોક્સ પર દરોડા પણ પાડ્યા છે. જાેકે ગેરકાયદે કપલબોક્સ ચલાવતા ઝડપાયેલા કોફી શોપના સંચાલકો વિરુધ્ધ માત્ર જાહેરનામાના ભંગનો સામાન્ય કહેવાય તેવો જામીનપાત્ર ગુનો નોંધાતો હોઈ કેફેના સંચાલકોને પોલીસ જાહેરનામાનો ડર નથી રહ્યો તેવું ચિત્ર ઉપસી રહ્યું છે અને પ્રતિબંધ હોવા છતાં શહેરમાં વિવિધ ઠેકાણે હજુ પણ કેટલાય કેફેમાં અંદરખાને કપલ બોક્સની સુવિધાના નામે ગોરખધંધા ચાલી રહ્યા છે.

યુવાવર્ગ અને પ્રેમીયુગલોના મિલન માટે શહેરમાં કોઈ સલામત સ્થળ નથી અને પ્રેમીયુગલો એકાંત માણવા માટે ગમે તે કિંમત ચુકવવા માટે તૈયાર હોવાની જાણ હોઈ તેનો ચાલાલ કોફી શોપના સંચાલકોએ ફાયદો ઉઠાવવાની શરૂઆત કરી છે. યુવાવર્ગના પ્રેમીયુગલોને ધોળેદહાડે ભરચક વિસ્તારમાં પ્રાયવર્સીના બહાને એકાંત પુરી પાડવા માટે કેફેના સંચાલકોએ કોફી શોપના ઓથા હેઠળ કપલ બોક્સનો અભિગમ શરૂ કર્યો છે. યુગલોની પ્રાયવર્સી અકબંધ રાખવાના કારણો સાથે શહેરમાં કેટલાય કોફી શોપના સંચાલકોએ કોફી શોપમાં જૂના ફર્નિચરના સ્થાને મોર્ડન ઈન્ટિરિયર બનાવી તેમજ વિદેશની હોટેલો-કેફે જેવા નવા નામે કેફે શરૂ કર્યા છે.

આવા કેફેમાં અંધારું અને એંકાંત પુરુ પાડતા કપલ બોક્સ બનાવવામાં આવતા પ્રેમીયુગલો માટે આવા કેફે સૈાથી પહેલી પસંદ બન્યા છે. કપલ બોક્સમાં પાર્ટીશન કરી તેમજ પડદા મુકી એકાંત માણવા માટે સલામત સુવિધા મળતી હોઈ પ્રેમીયુગલો અને યુવાવર્ગ દ્વારા આવા કેફેમાં અંધારામાં એકાંત માણતી વખતે અશ્લીલ હરકતો કરવામાં આવે છે જયારે ગ્રુપમાં આવીને માદકદ્રવ્યોનું પણ સેવન કરવામાં આવતું હોય છે. આવા કપલ બોક્સથી અનેક દુષણો ફેલાતા હોઈ તેમજ માદકદ્રવ્યના સેવન વખતે પાડેલા ફોટા અને વીડિયો ક્લિપોનો દુરપયોગ કરી યુવતીનું શોષણ થવાના પણ બનાવો બન્યા હોઈ શહેર પોલીસે કોફી શોપ અને કેફેમાં એકાંત પુરુ પાડતા કપલ બોક્સ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. શહેરના સયાજીગંજ અને ફતેગંજ વિસ્તારમાં વિતેલા ત્રણ માસમાં સ્થાનિક પોલીસ સાથે અન્ય એજન્સીઓએ કેફેમાં ચાલતા કપલ બોક્સ ઝડપી પાડી તેના સંચાલકોની ધરપકડ કરી છે પરંતું માત્ર જાહેરનામા ભંગનો ગુનો હોઈ તેઓના ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત થઈ જતાં કપલ બોક્સના સંચાલકો વિરુધ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબુત બને તે દિશામાં પોલીસે કાર્યવાહી કરવી પડશે તેવો જાણકારોએ મત વ્યક્ત કર્યો છે.

કોલેજિયન અને યુવાવર્ગ કેફે સંચાલકોના ટાર્ગેટ પર

સયાજીગંજ, ફતેગંજ, રેસકોર્સ, અલકાપુરીમાં ધમધમતા બૉક્સ કેફે

પ્રાયવર્સીના બહાને અંધારુ અને એકાંત પુરુ પાડતા કપલ બોક્સમાં મોટાભાગે યુવાન પ્રેમીયુગલો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જતા હોય છે. શહેરના સયાજીગંજ, ફતેગંજ,રેસકોર્સ અને અલકાપુરી વિસ્તારમાં કોલેજાે તેમજ હોસ્ટેલો મોટી સંખ્યામાં હોઈ આ વિસ્તારમાં કેફેની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે અને કેટલાય કેફેમાં અંદરખાને કપલ બોક્સની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

કપલ બૉક્સમાં માત્ર એક કલાક બેસવા માટે અઢીસોથી વધુનો ચાર્જ

કોફી શોપ કે કેફેના ઓથા હેઠળ ચાલતા કપલ બોક્સમાં એકાંત અને અંધારામાં ટેબલ-ખુરશીના બદલે ભારતીય બેઠકના નામે ગાદલાં-તકિયાની સુવિધા આપવામાં આવતી હોય છે જેના કારણે પ્રેમીયુગલો શરમ નેવે મુકી તમામ હદો પાર કરતા હોય છે જયારે સલામત એકાંત મળતું હોઈ યુવાવર્ગ ગ્રુપમાં માદક દ્રવ્યનું પણ સેવન કરતા હોય છે. જાેકે આવી જાેખમી સેવા પુરી આપતા કેફેના સંચાલકો કપલ બોક્સમાં બેસતા કપલ અને યુવાનો ભલે ખાવાપીવાનો કોઈ ઓર્ડર ના કરે તો પણ માત્ર કપલ બોક્સમાં એક કલાક ગાળવા માટે અઢીસોથી વધુ રૂપિયાનો ચાર્જ કરે છે અને યુગલો-યુવાવર્ગ તેની હોંશેહોશે ચુકવણી પણ કરે છે.