વડોદરા, તા. ૨૫

પોતાના સંબંધી સાથે નોકરી કરતી કુંવારી યુવતી સાથે પરિચય બાદ તેને પ્રેમજાળમાં ફસાવનાર હરણી રોડ પર રહેતા કોન્ટ્રાક્ટર યુવકે યુવતીને જીઈબીમાં નોકરી અપાવવાની લાલચ આપી તેનું બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ તરછોડી દેતા યુવક વિરુધ્ધ બાપોદ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. મુળ ડભોઈ-વાઘોડિયારોડ પર વેદાંત રેસીડન્સીનો વતની અને હાલમાં હરણીરોડ પર વાલમ હોલની બાજુમાં રાજેશ્વર ગોલ્ડમાં રહેતો ૪૭ વર્ષીય પરિણીત સંજય અમૃતલાલ પટેલ કોન્ટ્રાક્ટ પર સરકારી અને ખાનગી કામો કરે છે. થોડાક સમય અગાઉ તેનો તેના એક સંબંધીની ઓફિસમાં ફરજ બજાવતી ૩૭ વર્ષીય કુંવારી મહિલા સાથે પરિચય થયો હતો. સંજય પટેલે તેની સાથે મિત્રતા કેળવી તેની સાથે વારંવાર વાતો કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. સંજયે મહિલાને જણાવ્યું હતું કે હું મારી પત્નીથી છુટાછેડા લઈ તારી સાથે લગ્ન કરીશ અને મારે બધે ઓળખાણ છે જેથી હું તેને જીઈબીમાં નોકરી અપાવીશ. તે સરકારી નોકરી માટે ટ્રેનીંગ અપાવવાનું કહી મહિલાને પોતાની સાથે પાલનપુર લઈ ગયો હતો અને તેને હાઈવે પર હોટલમાં રાખી હતી અને જણાવ્યું હતું કે તેને મહિલાન તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણે સરકારી નોકરીની લાલચ આપી મહિલા પર બે વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો અને મહિલાએ સરકારી નોકરી માટે જીદ કરતા તેણે મહિલાને તરછોડી દીધી હતી. આ બનાવની મહિલાએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ સી.પી.વાઘેલા અને એએસઆઈ યોગેશભાઈ સહિતની ટીમે ગણતરીના કલાકોમાં સંજય પટેલને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી.