વડોદરા, તા.૧

કોરોના મહામારીને કારણે સતત બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથજી ભક્તોની મોટી સંખ્યા તેમજ આગવા ઠાઠમાઠ સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે નગરચર્યા માટે રાજમાર્ગો પર નિકળતા લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. મુશળધાર વરસાદના આગમન વચ્ચે પણ ઉત્સાહી ભક્તોજનો “હરે કુષ્ણ .... હરે .... રામા ...” તેમજ “ જય જગન્નાથજી” ના ગગનભેદી જયધોષ સાથે ભક્તિના રંગમાં ઝૂમી ઉઠ્યા હતા.

દેશભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. શહેરમાં પણ ઈસ્કોન મંદિર દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે સાદગીપૂર્ણ રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરતું આ વર્ષે કોરોનાના કેસમાં ધટાડો નોંધાતા વર્ષોથી પરંપરાગત રીતે ભક્તોની હાજરીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો તેમજ રાજકીય નેતાઓ ઈસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી તેમજ શ્રુંગાર આરતી માટે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બપોરે અઢી કલાકે ભગવાન જગન્નાથજી તેમજ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને નગર ચર્યા માટે મંદિર ખાતેથી રેલ્વે સ્ટેશન ખાતે રથમાં લાવવામાં આવ્યા હતા. જ્યા મેયર કેયુર રોકડીયા તેમજ સાંસદ અને વિવિધ રાજકીય નેતાઓ સાથે પહીંદ વિધી કર્યા બાદ રથ યાત્રાનો પ્રાંરભ થયો હતો. બે વર્ષના વિરામ બાદ બહોળી જનમેદની સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હોવાથી ત્રીસ ટન શીરાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સમગ્ર રથયાત્રાના માર્ગ પર ભક્તો દ્વારા રંગોળી બનાવીનેે તેમજ મુખ્ય માર્ગો પર તોરણો બાંધીને ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સિવાય રથયાત્રામાં ડીજે , ઢોલ તાસા તેમજ વિશીષ્ટ વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આ રથયાત્રા રેલ્વે સ્ટેશન થી યોજાઈને પોલો ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી.

ઢોલ-ત્રાંસા અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઊઠ્યા

હજારોની સંખ્યામાં ભક્તો રથાયાત્રામાં જાેડાતા હરે રામા .... હરે .... ક્રીષ્ના .....ના નાદની સાથે કુષ્ણ ભજનના સાથે ડીજે તેમજ ઠોલ તાંસાના ગગનભેદી નાદ વચ્ચે જગન્નાથજીના રંગે ઝૂમી ઉઠ્યા હતા.

ત્રીસ હજાર કિલો શીરાનું વિતરણ

ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રા નિમિત્તે ત્રીસ હજાર કીલો શીરો એટલે કે ત્રીસ ટન શીરાનું પ્રસાદ સ્વરુપે વિતરણ કરવામાં આવ્યું હતું. તે સિવાય બુંદી , કેળા અને જાબુંના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તે સિવાય ભગવદ ગીતા તેમજ તુલસીના કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ભક્તો દ્વારા ઠેરઠેર રંગોળી બનાવવામાં આવી

સમગ્ર રથયાત્રાના માર્ગ પર વિશાળ રંગોળીઓ બનાવીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ભક્તો દ્વારા પણ ઘરની બહાર રંગોળી બનાવીને તેમજ તોરણ બાંધીને ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

છેલ્લા નવ વર્ષથી યોજાય છે રોબોટ રથયાત્રા

છેલ્લા નવ વર્ષથી શહેરના જય મકવણા દ્વારા પાંરપારિક રોબોટ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની નિઝામપુરા વિસ્તારમાં રોબોટ રથયાત્રા યોજી હતી. આ રોબો રથ ની રચના નીરજ મહેતા અને રવીન્દ્ર સોલંકીએ કરી હતી.૬ પૈંડા ધરાવતો આ રથ ૧૨ વોલ્ટ ની બેટરી અને ૧૦૦ આર.એમ.પી.મોટરથી ચાલે છે. કલાકના ૧૦ કિમીની ઝડપથી ચાલતા રથ સાથે ૬ શ્વેત અશ્વો ની પ્રતિકૃતિઓ જાેડવામાં આવી હતી મોબાઈલ ફોનના બ્લુટૂથ સાથે જાેડી દોરડાને બદલે ટેકનોલોજી થી આ રથ ચલાવવામાં આવ્યો હતો.

પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનીક મીડિયાના પત્રકારો દ્વારા જગન્નાથજીનું ભવ્ય રીતે સ્વાગત કરાયું

પ્રીન્ટ તેમજ ઈલેકટ્રોનીક મિડીયાના પત્રકારો દ્વારા રાવપુરા ખાતે આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગેથી ભગવાન જગ્ન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ પત્રકાર મિત્રો દ્વારા પુષ્પોથી સ્વાગત કરીને ભગવાનને આવકારવામાં આવ્યા હતા. તે સિવાય દર વર્ષની જેમ આ વર્ષે પણ માહીતી બવન ખાતે અષાઢી બીજ નિમિત્તે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરીને ઉજવણી કરી હતી.