રથયાત્રા સિદ્ધપુર: કોરોના વચ્ચે નગરચર્યા મોકૂફ, મંદીર પરીસરમાં જ પ્રદક્ષિણા!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2020  |   1287

કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મોકૂફ રખાયા બાદ મંદીરમાં જ પ્રદક્ષિણા કરવામાં આવી હતી. ગોવિંદમાધવભગવાનની રથયાત્રાને શહેરનાં રાજમાર્ગોના નીકાળતા મંદિર પરિસરમાં જ પ્રદક્ષિણા કરાવી ધાર્મિક પરંપરા જાળવી રખાઇ હતી. સમસ્ત જનહિતાર્થે આવો ઉમદા નિર્ણય લઈ સમસ્ત હિન્દુ સમાજે વિશ્વ,દેશ,સમાજ સહિત દરેક ધર્મ ને 'માનવતા પરમો ધરમ' નું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. સિદ્ધપુરના ગામધણી ગોવિંદ-માધવ ભગવાનની રથયાત્રા અગાઉ જે કાષ્ટનાં રથમાં નિકળતી હતી તેમાં બન્ને ભગવાન ને બિરાજમાન કરી ભક્તિભાવ પૂર્વક તાલીઓનાં તાલ અને રાધે..ગોવિંદ..રાધે..ની ધૂન સાથે મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવાઈ હતી.

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદીર પરીસરમાં જ ફરી હતી. આજે અષાઠી બીજે પવિત્ર દિવસે સવારે મંગળા આરતી કરી બન્ને ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો. રથયાત્રાને મંદિર પરિસરમાં પુજારી સત્યમ જયેશભાઈ પંડ્યા સહિત બે-ત્રણ બ્રાહ્મણોએ પિંતાબર ધારણ કરી ભાવપૂર્ણ પ્રદક્ષિણા કરાવી હતી. સવારે રથયાત્રાને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા પરંપરા વખતે મંદિર કમિટિ પ્રમુખ ભાલચંદ્રભાઈ ઠાકર, કમિટિ સભ્યો, કમલેશભાઈ ઠાકર, રશ્મિનભાઈ દવે સહિત સિમિત સંખ્યામાં ભક્તજનો સામાજિક અંતરનુ ચુસ્ત પાલન કરી જોડાયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટનાં અવલોકન પ્રમાણે કોરોના કહેરનાં આ માહોલમાં રથયાત્રાની મંજુરી આપવામાં આવે ભગવાન અમને માફ નહી કરે તે મુજબ હાઈકોર્ટ અને રાજ્ય સરકારે આ વખતે સમગ્ર રાજ્યમાં ક્યાય રથયાત્રા જાહેર માર્ગો પર નહિ નીકાળવા નિર્ણય લીધો છે. જેને સનાતન હિન્દુ ધર્મનાં મહંતો અને રાજ્યની તમામ રથયાત્રા કમિટીઓએ સ્વીકારી રથયાત્રા મોકૂફ રાખવા સંમતિ દર્શાવી છે. આ નિર્ણય અંતર્ગત સિદ્ધપુરનાં ગામધણી ગોવિંદ-માધવ ભગવાનની ચાંદીનાં કલાત્મક રથમાં આવતીકાલ ૨૩મીના રોજ નીકળનારી નગરયાત્રાને સિદ્ધપુર મામલતદારનાં આદેશ મુજબ મોકૂફ રાખવા મંદિર કમિટીએ નિર્ણય લીધો હતો.

નોંધનિય છે કે, સિધ્ધપુરમાં દરવર્ષે નિકળતી પરંપરાગત રથયાત્રા વિશે એવુ કહેવાય છે કે, શરીરથી આશક્ત બની ગયા હોય પણ અનન્ય આસ્થા ધતાવતા પોતાના ભક્તો ને ગામધણી સામે ચાલી તેના ઘર આંગણે દર્શન આપી ધન્યતાની અનુભૂતિ કરાવાવા ગામધણી નગરચર્યાએ નિકળતા હોય છે. પરંતુ વૈશ્વિક કોરોના મહામારીથી આ વર્ષે સિદ્ધપુરના તેમજ આ દિવસે ખાસ બહારથી આવતા બહોળા ભક્તજનોને આવી અનન્ય સેવા-પૂજા અને દર્શનના લ્હાવાથી વંચિત રહેવુ પડ્યુ હતુ. આ પાવન દિવસે ભક્તોએ પોતાનાં ઘરમાં ગામધણીની માનસપૂજા કરી લોકોને કોરોના મહામારીથી ઉગારવા અંત:કરણથી પ્રાર્થના કરી હતી.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution