રી-નીટથી પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસનાં સંચાલકોને તડાકો, બેફામ ફી વસૂલાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026  |   1980

કેટલાક કૌભાંડીઓએ આચરેલા કૌભાંડને કારણે સમગ્ર દેશનાં ૨૩ લાખ વિદ્યાર્થીઓએ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટ-યુજી ૨૦૨૬ પરીક્ષા ફરીથી આપવાની નોબત આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની પરેશાની આટલેથી અટકતી નથી. હવે જ્યાં સુધી રી-નીટ નહીં થાય ત્યાં સુધી કોચિંગ આપવાના બહાને પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસોએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલવા માંડી છે. કેટલાક ધંધાદારી કોચિંગ ક્લાસીસે ભ્રામક જાહેરાતો કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ફસાવવાની તરકીબ શરૂ કરી છે. કેટલાક કોચિંગ ક્લાસીસો ઓછી ફી ની જાહેરાતો કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને ક્લાસીસ પર તેડાવી રહ્યા છે અને બાદમાં યેનકેન પ્રકારને સમજાવીને વધુ મહેનતના નામે રૂ.૧૫ હજારથી રૂ.૨૫ હજાર જેવી રી-નીટ કોચિંગની ફી વસૂલાત શરી કરી હોવાની માહિતી મળી છે.

સુરતમાંથી ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ નીટ-યુજીની પરીક્ષા આપી હતી. હવે તા.૩ મે એ લેવાયેલી નીટની પરીક્ષા રદ થઇ ચૂકી છે અને નવેસરથી નીટ-યુજી પરીક્ષા આપવાની હોઇ, વિદ્યાર્થીઓ તૈયારી કરવી પડશે, એવી જાહેરાતો કોચિંગ ક્લાસીસોએ સોશિયલ મીડિયામાં મોટાપાયે આપીને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલાતનો અફલાતૂન રસ્તો શોધી કાઢ્યો છે. એક વાલીએ સોશિયલ મીડિયામાં આ પ્રવૃતિને વખોડતા લખ્યું છે કે વિદ્યાર્થીઓ કે વાલીઓનો શું વાંક કે તેમણે હવે બીનજરૂરી રીતે નીટ કોચિંગનાં રૂપિયા આપવા પડી રહ્યા છે. દેખાદેખીનો માહોલ એવો છે કે જાે કોઇ વિદ્યાર્થી રી-નીટનું કોચિંગ નહીં લે તો પાછળ રહી જશે તેવી પણ જાહેરાતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. બીજી તરફ કેટલીક સ્કુલોએ પોતાના વિદ્યાર્થીઓને રી-નીટ પરીક્ષા માટેનું કોચિંગ બિલકુલ ફ્રી ઓફ ચાર્જ આપવાનું શરૂ પણ કરી દીધું છે. આ બે પરિસ્થિતિ વચ્ચે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓને રેગ્યુલર સ્કુલો અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસો વચ્ચેનો તફાવત સમજાઇ રહ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution