વડોદરા, તા ૧૭

શહેરમાં આવતીકાલે આવનારા વડાપ્રધાન મોદીને આવકારવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. આવતીકાલે હરણી એરપોર્ટથી વડાપ્રધાનનો કાફલો આજવારોડ પર લેપ્રેસી મેદાન પર જવાનો હોઈ તેમના રૂટ પર આજે સવારથી જ સધન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જયારે વડાપ્રધાનનો કાફલો વિશેષ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એરપોર્ટથી લેપ્રેસી મેદાન અને ત્યાંથી પરત એરપોર્ટ પર આવનાર હોઈ તે સમગ્ર માર્ગ પર આજે પોલીસ તંત્રનું રિહર્સલ યોજાયું હતું જેના પગલે રૂટ પરનો સમગ્ર વાહનવ્યવહાર અટકાવી દેવાતા ભરબપોરે અનેક વાહનચાલકો અને રાહદારીઓ રસ્તા પર અટવાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે પાવાગઢથી વડોદરા ખાતે હરણી એરપોર્ટ પર આવ્યા બાદ બાયરોડ આજવારોડ પર લેપ્રેસી મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેવા જશે. દરમિયાન વડાપ્રધાનને આવકારવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવતા આજે વડાપ્રધાનની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. વડાપ્રધાનનો કાફલો હરણી એરપોર્ટથી લેપ્રેસી મેદાન સુધી જનાર હોઈ તેમના સમગ્ર રૂટ પર જયાં રહેણાક વિસ્તારમાં છે ત્યાં તંત્ર દ્વારા બેરીકેટ લગાવવામાં આવી છે જેથી શહેરીજનો બેરીકેટકની અંદરથી સુરક્ષા અંતર સાથે વડાપ્રધાનને આવકારશે.

દરમિયાન વડાપ્રધાનનો કોન્વોય જયાંથી અને જેટલા વાગે પસાર થવાનો છે તે માર્ગ પર અને સમયે આજે કોન્વોયનું રિહર્સલ યોજાયું હતું. આજે બપોરે રિહર્સલ દરમિયાન વડાપ્રધાનના કોન્વોયમાં જાેડાનાર વાહનોએ સમગ્ર રૂટ પર અવર-જવર કરી હતી. રિહર્સલના કારણે બપોરે રૂટ પર તમામ પ્રકારની ગતિવિધિ રોકી દેવામાં આવતા અનેક વાહનચાલકો અને રાહદારીઓ રસ્તામાં અટવાયા હતા. આ રિહર્સલ બાદ હજુ આવતીકાલે પણ આ પ્રકારનો ત્રાસ સહન કરવો પડશે.

કોન્વોયમાં ૨૫ વાહનો સિવાય કોઈ જાેડાઈ નહીં શકે

સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ વડાપ્રધાનની સુરક્ષા માટે તેમના કોન્વોયમાં જાેડાનાર વાહનોની સત્તાવાર યાદી તંત્ર દ્વારા બનાવવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષા માટે તેમના કોન્વોયના પાંચ મિનિટી પહેલા ર્વોનિંંગ કાર એરપોર્ટથી લેપ્રેસી મેદાન સુધી જશે અને તમામ રોડ પર કોઈ અડચણ નથી તેની ખાત્રી કરશે. ત્યારબાદ કોન્વોયને રૂટની દિશા બતાવવા માટે પાયલોટ કાર નીકળશે અને તેની પાછળ વડાપ્રધાનનો કાફલો નીકળશે. વડાપ્રધાનની બુલેટપ્રુફ કારની આગળ પાછળ એસપીજી ગ્રુપના વાહનો હશે અને એસપીજી ગ્રુપના વાહનોની આગળ-પાછળ સ્થાનિક પોલીસના વાહનો હશે. આ કાફલામાં કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો પ્રાથમિક સારવાર માટે મેડિકલ સાધનો સહિતની એમ્બ્યુલન્સ તેમજ ફાયર ફાયટરના વાહનો પણ જાેડાશે. આવતીકાલે પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનના કોન્વોયમાં ૨૫ વાહનો હશે.

પાર્કિંગની વિશેષ વ્યવસ્થા પ્રેક્ષકો માટે તમામ રસ્તા ખૂલ્લા

લેપ્રેસી મેદાન પર પાર્કિંગની વિશેષ વ્યવસ્થા ઃ પ્રેક્ષકો માટે તમામ રસ્તા ખુલ્લા

વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે અને તેમના રૂટના કારણે શહેરના ૧૦ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેની સામે ૧૨થી વધારે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યા છે, જેથી સામાન્ય પ્રજા કોઇ પણ પ્રકાની મુશ્કેલી વગર સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. પ્રવેશબંધીના પોઇન્ટ અને વૈકલ્પિક રૂટ અંગે વડોદરા શહેર પોલીસે જાહેરાત કરી છે. જાે કે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સભા સ્થળે જતા લોકો માટે શહેરના તમામ રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને તેમના માટે કોઇ પ્રવેશબંધી પોઇન્ટ નથી. વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે સભા સ્થળે પાંચ લાખથી વધારે માનવ મહેરામણ ઉમટવાની શક્યતાને જાેતા શહેર પોલીસે વાહનોના પાર્કિંગ માટે વિશેષ આયોજન કર્યું છે. પોલીસ સુત્રો મુજબ સભા સ્થળની નજીક ૧ વીવીઆઈપી પાર્કિંગ તથા ૧ વીઆઈપી પાર્કિંગની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત પાર્કિંગ પ્લોટ નંબર ૧૮ અને ૨૦ પણ વીઆઈપી કાર પાર્કિંગ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. ૩ થી ૧૦ નંબર અને ૨૧ નંબરનું પાર્કિંગ પ્લોટ વડોદરા શહેરની પ્રજા માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે, જ્યાં વડોદરા શહેરની કાર, બાઇક અને સિટી બસ પાર્ક કરી શકાશે. જ્યારે ૧૨, ૧૩ અને ૧૪ નંબરના પાર્કિંગ પ્લોટ વડોદરા ગ્રામ્ય, ૧૧ નંબરનું પાર્કિંગ પ્લોટ છોટા ઉદેપુર, ૧૫ નંબરનું પાર્કિંગ પ્લોટ ખેડા, ૧૯ નંબરનું પાર્કિંગ પ્લોટ પંચમહાલ તેમજ ૧૬, ૧૭ નંબરના પાર્કિંગ પ્લોટ આણંદના લોકો માટે રિઝર્વ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાનને આવકારવા માટે આવનારના વાહનો કોન્વોયમાં નહીં જાેડાય

વડાપ્રધાન પાવાગઢથી હરણી એરપોર્ટ પર આવશે જ્યાં તેમને આવકારવા માટે પ્રોટોકોલ મુજબ શહેરના પ્રથમ નાગરિક મેયર ઉપરાંત અન્ય મહાનુભવો હાજર રહેશે. જાેકે વડાપ્રધાનને આવકાર્યા બાદ તુરંત તેમનો કાફલો સભા સ્થળે જવાના રવાના થશે જેમાં પ્રોટોકોલ મુજબ નક્કી કરાયેલા ૨૫ વાહનોને જ મંજુરી છે. આમ વડાપ્રધાનને આવકારવા માટે જનાર મહાનુભવોના વાહનો કોન્વોયમાં નહી જાેડાય પરંતું કોન્વોય પુરો થયા બાદ તેઓની પાછળ રહેશે.