રેખા થયા 65 વર્ષના,ઇન્ડસ્ટ્રીમાં બાળ કલાકાર તરીકે 11 વર્ષની ઉંમરે લીધી એન્ટ્રી 

મુંબઇ 

10 ઓક્ટોબરે રેખા 65 વર્ષના થયા. તેની જિંદગી ઘણી ઉતાર-ચડાવ વાળી રહી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેખાને 54 વર્ષ પૂરા થઇ ગયા છે પણ તેમનો ફિલ્મી સફર સરળ રહ્યો ન હતો. ઇન્ડસ્ટ્રીમાં બાળ કલાકાર તરીકે રેખાએ 11 વર્ષની ઉંમરે એન્ટ્રી લીધી. ત્યારબાદ 15 વર્ષની ઉંમરે ફિલ્મ 'અંજાના સફર'માં પણ દેખાયા હતા. આ ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો આજે પણ ફેમસ છે.

ફિલ્મના સેટ પર થયેલી એક ઘટનાએ રેખાને અંદરથી હલાવી નાખી દીધા હતા. આ ઘટનાનો ઉલ્લેખ તેમણે તેમની બાયોગ્રાફી 'રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી'માં પણ કર્યો છે. યાસેર ઉસ્માને લખેલી આ બુકમાં જણાવાયું છે કે 1969માં આવેલી ફિલ્મ 'અંજાના સફર'નું શૂટિંગ મુંબઈના મહબૂબ સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. રાજા નવાથે ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફર હતા. એક દિવસ ફિલ્મના હીરો બિશ્વજીત અને હિરોઈન રેખાનો એક રોમેન્ટિક સીન શૂટ કરવાનો હતો.

સીનના શૂટિંગ પહેલાંથી તેને લઈને બધી સ્ટ્રેટેજી બનાવી લેવામાં આવી હતી. જેવું ડિરેક્ટરે 'એક્શન' કહ્યું, બિશ્વજીતે રેખાને ગળે લગાવી અને તેને કિસ કરવા લાગ્યા. આ જોઈને રેખા સુન્ન થઇ ગયા. તેમને આ સીનમાં કિસ વિશે કોઈએ અગાઉથી જાણકારી આપી ન હતી. કેમેરો ચાલતો રહ્યો, ન ડિરેક્ટરે કટ કહ્યું અને ન બિશ્વજીત અટક્યા. સતત પાંચ મિનિટ સુધી તે રેખાને કિસ કરતા રહ્યા. યુનિટ મેમ્બર્સ આ જોઈને સીટી મારી રહ્યા હતા. રેખાની આંખ બંધ હતી અને તેમાં આંસુ હતા.

આ ઘટના વિશે બિશ્વજીતે પછી કહ્યું હતું કે, આ ડિરેક્ટરનો આઈડિયા હતો. તેમની કોઈ ભૂલ ન હતી કારણકે તે તો ડિરેક્ટરના આદેશનું પાલન કરી રહ્યા હતા. આ એન્જોયમેન્ટ માટે ન હતું, પણ સીનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો હતો. રેખાને આ સીન પછી તેની સાથે ફ્રોડ થયો છે એવું લાગી રહ્યું હતું અને ઘણો ગુસ્સો પણ હતો. આ ઘટનાએ તેમનામાં ઘણો ડર પેદા કરી દીધો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution