વોશિંગ્ટન:અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસને ૨૦ જાન્યુઆરી પહેલા બંધકોને મુક્ત કરવા ચેતવણી આપી છે. મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે, જાે ૨૦ જાન્યુઆરી પહેલા ઇઝરાયલમાંથી અપહરણ કરાયેલ બંધકોને છોડાશે નહીં તો તે હમાસ માટે સારું નહીં હોય. સાચુ કહું તો તે કોઈના માટે સારું નહીં હોય. ૨૦ જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.
કતારમાં બંધકોને મુક્ત કરવા મામલે ઇઝરાયલ અને હમાસની લીડરશિપ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હું કોઈપણ વાટાઘાટોને નુકસાન પહોંચાડવા માગતો નથી, પરંતુ જાે મારા શપથ લીધા પહેલા બંધકોને મુક્ત કરવા પર કોઈ સમજૂતી નહીં થાય, તો મિડલ ઈસ્ટમાં વિનાશ થશે. બધું ખતમ થઈ જશે. મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી, પણ આ જ થશે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, બંધકોને ઘણા સમય પહેલા મુક્ત કરી દેવા જાેઈતા હતા. ૭ ઓક્ટોબરનો હુમલો થવો જાેઈતો નહોતો. લોકો તેને ભૂલી જાય છે, પરંતુ તે થયો અને ઘણા લોકો મૃત્યુ પામ્યા. મને ઇઝરાયલ અને અન્ય જગ્યાએ બંધકોના પરિવારો તરફથી ફોન આવી રહ્યા છે. લોકો મને તેમના પ્રિયજનોને હમાસની કેદમાંથી મુક્ત કરાવવા માટે અપીલ કરી રહ્યા છે.