સાબરકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાં ૩ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોને રાહત
27, જુલાઈ 2020 297   |  

હિંમતનગર,તા.૨૬ 

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાબરકાંઠાના પાંચ તાલુકામાં મેઘમહેર થતાં ૨૪ કલાકમાં ૧ થી ૩ ઇંચ વરસાદ વરસતા રાહતની લાગણી પેદા થઈ છે. પોશીના તાલુકામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લામાં દસ દિવસ બાદ મેઘમહેર થતાં સર્વત્ર વરસાદી માહોલ ઉભો થયો છે.જિલ્લામાં ૨૪ કલાકમાં ૨૧૪ મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. જેમાં સૌથી વધુ વરસાદ ધનસુરા અને ભિલોડા અને મોડાસા તાલુકામાં પડ્યો હોવાનું નોંધાયું છે. શનિવારે સાંજ સુધીમાં ૨૪ કલાક દરમિયાન ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં એક ઈંચથી વધુ અને અત્યાર સુધી કોરાધાકોર રહેલ પોશીના તાલુકામાં શુક્રવારે બે ઇંચ અને શનિવારે એક ઇંચ મળી ત્રણ ઇંચ વરસાદ વરસતાં વહેળા વહેતા થયા છે અને જમીનને જરૂરી ભેજ મળી ગયો છે. આગામી બે-ત્રણ દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યકત થઈ રહી છે. વિજયનગર પંથકના આંતરસુંબા આશ્રમ, સરસવ, ખોખરામાં શનિવારે સાડા ચાર વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ પડતાં અસહ્ય ગરમી ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી. જ્યારે લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી મુરઝાઈ રહેલા મોલને નવજીવન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. વિજયનગરના ખોખરાપટ્ટામાં તથા ઉપરવાસ રાજસ્થાનના ગરણવાસ, રોણીયા, ખદ્દર વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ સરસવ, રાધાપુરી વિસ્તારમાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા હતા. પોશીનામાં શનિવારે બપોર બાદ પણ વરસાદ વરસતાં આજુબાજુ વિસ્તારોમાં આવેલા ચેકડેમો પાણીથી ભરાયા હતા. જ્યારે સતત બીજા બીજા દિવસે એક ઇંચ વરસાદથી પાકને જીવતદાન મળ્યું હતુ.પોશીનામાં શનિવારે બપોર બાદ થયેલો વરસાદ ૨૮ મી.મી.તથા સિઝનનો કુલ વરસાદ ૧૮૮ મીમી.થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution