લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026 |
2079
જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે આજે વિશાળ ધર્મસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ગિરનારની પવિત્રતા અને પરંપરાગત વારસાને જાળવવા માટે સૌએ એકસ્વરે અવાજ ઉઠાવ્યો અને વહીવટી તંત્ર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી. આ સભાની ખાસ વાત એ રહી કે, અલગ-અલગ અખાડા અને સંપ્રદાયોના સંતોએ પોતાના મતભેદોને બાજુએ રાખીને એક મંચ પર આવી એકતાનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમ દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં થતી કથિત અતિક્રમણ પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તેના વિરુદ્ધ પગલાં લેવા માંગણી કરવામાં આવી. આ પ્રસંગે ગિરનારના રક્ષણ માટે એક સંગઠિત સમિતિ રચવાનો ર્નિણય લેવાયો. સાથે જ, સંબંધિત સત્તાધિકારીઓને રજૂઆત કરી એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. જાે સમયસર નિરાકરણ નહીં આવે તો આગળ વધુ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી. સંતોએ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો. તેમના કહેવા મુજબ, ગિરનાર આસપાસના જંગલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ નિયમોના ઉલ્લંઘન સાથે બાંધકામ થઈ રહ્યું છે, જેને અટકાવવાની જરૂર છે.
દુર્લભ અને ઔષધિય વૃક્ષોની સુરક્ષા તથા કુદરતી સંપત્તિને જાળવી રાખવાની માંગ પણ ઉઠાવવામાં આવી. આ ઉપરાંત, ગિરનાર વિસ્તારમાં નવી બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, બિનઅધિકૃત રચનાઓ દૂર કરવી અને પવિત્ર સ્થળોની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે યોગ્ય પગલાં લેવા કહેવામાં આવ્યું. ધાર્મિક સ્થળો સાથે જાેડાયેલી સંસ્થાઓને આવતી મુશ્કેલીઓ દૂર કરવા અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી. શ્રદ્ધાળુઓ માટે પાણી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો. તેમજ, ગિરનાર સાથે જાેડાયેલા ધાર્મિક મેળાઓને વિશેષ માન્યતા આપવા અને વધુ સગવડો ઊભી કરવાની માંગ કરવામાં આવી. આ કાર્યક્રમને સ્થાનિક વેપારીઓએ પણ સમર્થન આપ્યું હતું. અંતે, સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાે સરકાર દ્વારા યોગ્ય અને સમયસર પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.