વડોદરા, તા.૨૧

વડોદરા શહેરના તરસાલી સુસેન રીંગ રોડ પર આવેલા ઉનડદીપ કોમ્પલેક્ષના એ ટાવરની બાલ્કનીનો કેટલોક ભાગ મધરાત્રે તૂટી પડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી.પરંતુ આ ઘટનાને પગલે કોમ્પલેક્સમના રહીશો અને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન ધરાવતા વેપારીઓમાં ભયનો માહોલ છે.

વડોદરા શહેરના તરસાલી સુસેન રીંગ રોડ પર આવેલું ૨૦ -૨૨ વર્ષ જૂનું બે માળના ઉનડદીપ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો અને પ્રથમ અને બીજા માળે લોકો રહે છે. ટ્યુશન ક્લાસ અને કેટલીક ઓફીસો પણ આવેલી છે. દુકાનોમાં તેમજ કોમ્પલેક્સ નીચે દિવસ દરમિયાન લોકોની ભારે અવર-જવર હોય છે.ગત રાત્રે ૧-૩૦ વાગ્યાના અરસામાં ઉનડદીપ કોમ્પલેક્ષના એ-ટાવરમાં ફ્લેટ ધરાવતા લોકો ઘોર નિંદ્રામાં હતા.ત્યારે એકા એક પ્રથમ માળનાી બાલ્કનીનો એક ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

રાત્રીના સમયે ધડાકાભેર બાલ્કનીનો ભાગ તૂટી પડતા સફાળા જાગી ગયેલા કોમ્પલેક્સના રહીશો ધરની બહાર દોડી આવ્યા હતા. રાત્રીના સમયે બનેલી આ ઘટનાને પગલે કોમ્પલેક્ષમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશોએ બીજી તરફ બિલ્ડર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવીને આ સંદર્ભે ૨૦૧૮માં પણ કોર્પોરેશનમાંં જાણ કરી હતી.કોમ્પલેક્સમાં વરસાદી પાણી લીકેજ થતુ હોવાથી સળીયા પણ ખવાઈ ગયા હોવાનું રહીશોએ કહ્યુ હતુ.

બે માળના આ કોમ્પલેક્સને ૨૦ વર્ષ થયા છે. તેવામાં આવી હાલત થતા રહીશોએ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ અંગેે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિભાગે ઉનડદીપ એપાર્ટમેન્ટને નોટિસ આપી સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.