આજવાની ફીડર લાઈન પર સર્જાયેલ ભંગાણનું રાત્રી દરમ્યાન રિપેરિંગ કરાયું
21, જુલાઈ 2022 396   |  

વડોદરા, તા.૨૦

આજવાથી નિમેટા આવતી મુખ્ય ફીડર લાઈનમાં રવાલ ગામ ત્રણ રસ્તા પાસે ભંગાણ સર્જાતાં લાખો લિટર પાણી વેડફાયા હતા. અંદાજે ૭૦ વર્ષ જૂની ૯૦૦ મિ.મી. ડાયાની લાઈન પર સર્જાયેલા ભંગાણને પગલે સવારના સમયે પૂર્વ વિસ્તારની ચાર ટાંકીઓમાંથી પાણી વિતરણ કરવામાં આવ્યું ન હતું. વહેલી સવારે રિપેરિંગની કામગીરી પૂરી થતાં સાંજના સમયનું પાણી ઓછા પ્રેશરથી આપવામાં આવ્યું હતું.

આજવાથી નિમેટા આવતી મુખ્ય ફીડર લાઈન પૈકીની ૯૦૦ મિ.મી. ડાયાની એચએસની ૧૯૫૩માં નંખાયેલી વર્ષોજૂની લાઈન પર ગઈકાલે બપોરના સમયે રવાલ ગામ પાસે ૧.પ થી ર ફૂટનું ભંગાણ સર્જાતાં લાખો લિટર પાણી વહી ગયું હતું.

જાે કે, પાલિકાતંત્રને આ અંગેની જાણ થતાં તુરત વાલ્વ બંધ કરીને લાઈન ખાલી થયા બાદ રાત્રે ૧૧.૩૦ વાગે રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી, જે વહેલી સવારે ૪ વાગે પૂરી થઈ હતી. જાે કે, ભંગાણને પગલે પૂર્વ ઝોનની નાલંદા, સયાજીપુરા, ગાજરાવાડી અને પાણીગેટ ટાંકી પરથી સવારના સમયે પાણી વિતરણ નહીં કરાતાં લોકોને પાણીના કકળાટનો સામનો કરવો પડયો હતો. કામગીરી પૂરી થતાં સાંજના સમયે મોડા અને હળવા પ્રેશરથી પાણીનું વિતરણ કરાયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution