લુણાવાડા, મહીસાગર જિલ્‍લામાં ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે વિરપુર અને લુણાવાડા ખાતે મહિલાઓના બંધારણીય- કાયદાકીય અધિકારો અને મહિલાલક્ષી યોજનાઓથી વાકેફ થાય તેમજ નારી અદાલત અંગે સમજ અને મહિલાઓનો સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ થાય તેવા શુભ આશય સાથે ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયાની અધ્યક્ષતામાં નારી સંમેલન યોજાયું હતું.   

ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયાએ જણાવ્યું કે, આયોગ પાસે આવેલ ફરિયાદ કોર્ટમાં પહોંચે તે પહેલાં સરળતાથી નિરાકરણ થાય તેવા અભિગમ સાથે કામ કરી રહ્યુ છે. તેમજ આયોગ ક્યારેય નથી ઈચ્છતું કે કોઈનો ઘર સંસાર તૂટે, શક્ય હોય ત્યાં સુધી પ્રશ્નોનુ સમજાવટથી નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે. રાજ્ય મહિલા આયોગ એક તરફી કામગીરી નહી કરીને, અમારા પાસે આવનાર દરેક ફરિયાદોની તથ્યો-વિગતો તપાસીને ન્યાય કરવામાં આવે છે. આયોગ પુરૂષો જાેડે ક્યારેય અન્યાય કરવા માંગતુ નથી. તેનો ઉલ્લેખ કરતા અંકોલિયાએ, મહિલાઓને પુરૂષ સમોવડી બનવુ હશે તો તેમને તેમની સાથે કદમ મિલાવી કામ કરવુ પડશે અને મહિલાઓએ નાની-નાની બાબતોને મોટું સ્વરૂપ આપવાથી બચવું જાેઈએ તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

અંકોલિયાએ મહિલાઓની સુરક્ષા, સમાનતા હક્કોનુ રક્ષણ અને મહિલાઓનુ સશક્તિકરણ રાજ્ય સરકાર અને આયોગની પ્રાથમિકતા છે. સારા સમાજના નિર્માણ માટે મહિલાઓએ આગળ આવવુ અનિવાર્ય બની ગયું હોવાનું જણાવ્‍યું હતું. મહિલાઓ સાથે અત્યાચાર અને તેમના શોષણ પાછળ મહંદઅંશે શિક્ષણનો અભાવ કારણભૂત હોય છે. જેથી એક સારા સમાજના નિર્માણ માટે માટે આપણી દિકરીઓને ભણાવવી એટલી જ જરૂરી છે.

રાજ્ય સરકારે અનેક મહિલાલક્ષી યોજના અમલમાં મૂકી નવા આયામો ઉભા કર્યાં છે. જેમાં નારી અદાલત, મહિલા પોલીસ સ્ટેશન, ૧૮૧ હેલ્પપાલઈન જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. કોરોનો કાળમાં અનેક ઘરેલુ હિંસાના બનાવો સામે આવ્યા. આ સ્થિતિમાં આયોગ દ્વારા વીડિયો કોન્ફરન્સમાં માધ્યમથી ૧૦ હજાર બહેનો જાેડે પરામર્શ કરીને સીધુ માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. ઉપરાંત લગ્નજીવનમાં આવતી સમસ્યાઓના નિરાકરણ માટે લગ્ન પહેલાં કાઉન્સેલિંગની સેવા આયોગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને પતિ-પત્ની શિક્ષકના કિસ્સામાં બન્ને સાથે રહે તેવી વ્યવસ્થા કરવા શિક્ષણ વિભાગને ભલામણ રાજ્ય મહિલા આયોગ દ્વારા કરવામાં આવી રહી હોવાનું અંકોલિયાએ ઉમેર્યું હતું.

અંકોલિયાએ મહિલાઓના પ્રશ્નોનુ ઘરઆંગણ નિરાકરણ અને ન્યાય મળે તે માટે રાજ્યમાં ૨૭૦ જેટલી નારી અદાલત કાર્યરત છે. આ અદાલતમાં ૪૦૦ જેટલી બહેનો કામ કરી રહી છે અને ૪૦૦૦ જેટલી બહેનો સ્વેચ્છાએ નારી અદાલત સાથે જાેડાયેલી છે. જે છેવાડાના વિસ્તારમાં મહિલાઓ સાથે અનિચ્છનિય બનાવ બનતો હોય તો તેની જાણકારી પહોંચાડે છે. રાજ્ય મહિલા આયોગના કાયદાકીય અધિકારી ભારતીબેન ગઢવી જણાવ્યું કે, લીલાબેન અંકોલીયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા આયોગ દ્વારા ૬૦, ૦૦૦ થી વધુ પશ્નોનું નિરાકરણ કર્યું છે. તેમજ ૩૧૮ જેટલા નારી સંમેલન યોજી ૨.૫૦ લાખથી વધુ મહિલાઓને સીધું માર્ગદર્શન પહોચાડ્યું છે.