સરકારે માગણીઓ પૂરી કરવાની બાંયધરી આપતા આખરે રિક્ષાચાલકો મતદાન કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026  |   1980

અમદાવાદ શહેરમાં રિક્ષાચાલકોએ સરકાર સમક્ષ મિનિમમ ભાડુ (માથાદીઠ ભાડું) રૂપિયા ૨૦થી વધારીને ૩૦ કરવાની માંગણી કરી હતી. જાે ભાડામાં વધારો કરવાની મંજૂરી નહીં મળે તો મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકીને લઈ સરકારે ભાડા વધારા માટેની રજૂઆત મંજૂર કરવાની ખાત્રી આપી છે.. મતદારોના રોષને ખમી ન શકતા હવે રિક્ષા ચાલકોનો રોષ વહોરવો પડે તે પહેલા સરકારે અગમચેતીરૂપે સ્થાનિક સ્તરે બેઠકો કરી ચૂંટણી ટાણે રિક્ષાચાલકોને મનાવી લીધા છે.. ભાવ વધારાની માંગણીને સરકારે હકારાત્મક જવાબ આપતા મતદાન બહિષ્કારનો કોલ મોકૂફ રાખ્યો છે. ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા રીક્ષા ચાલકોના પ્રશ્નો બાબતે સરકાર અને સરકારી તંત્રમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. આ બાબતે ઓટો રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે, આજે ૨૩ એપ્રિલના રોજ વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી ખાતે રિક્ષાના ભાડામાં વધારા બાબતે મિટિંગ કરી હતી, જેમાં રિક્ષા ભાડા વધારા માટેની રજૂઆત મંજૂર કરવામાં આવી છે, જેના પર કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીને પૂર્ણ થતાં આશરે એક માસનો સમય લાગી શકે છે તેવો સરકાર તરફથી જવાબ મળતાં રિક્ષા ચાલકો હવે મતદાનનો બહિષ્કાર નહીં કરેનું જણાવ્યું છે. વધુમાં સૌ રિક્ષા ચાલકોને અવશ્ય મતદાન કરવાનું પણ આહ્વાહન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે મોંઘવારી વધી રહી છે, સીએનજી ગેસનાં ભાવ વધી રહ્યાં છે પરંતુ છેલ્લા ૪ વર્ષથી રિક્ષા ભાડું ન વધતા ચાલકોને પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રિક્ષાચાલકોનું કહેવું છે. ઈંધણ અને રિક્ષાનાં સ્પેરપાર્ટ્સના ભાવ પણ આસમાને પહોંચી રહ્યાં છે, ખાનગી કંપનીની ટેક્સી, રિક્ષા, કેબની સુવિધા મળતા રિક્ષા ચાલકોને પણ ફટકો પડ્યો છે. ત્યારે જૂના ભાડામાં રિક્ષા ચલાવવી હવે પોષાય તેમ નથી. જેને લઈ રિક્ષા ચાલકોએ હાલ મિનિમમ ભાડુ ૨૦ રૂપિયાથી વધારી ૩૦ કરવા માંગણી કરી હતી. અગાઉ રિક્ષા ચાલકોએ ટ્રાન્સપોર્ટ અધિકારી અને વાહન વ્યવહાર મંત્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું અને ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી.

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન, અમદાવાદ રીક્ષા ચાલક એસોસિયેશનના અગ્રણીઓએ જણાવ્યું કે ખાનગી કંપની જેવી કે, અદાણી જાે સીએનજી ગેસના ભાવમાં વધારો કરે છે, તો સરકાર કેમ ભાવ વધારો કરતી નથી. રેટ કમિટીનાં નિયમ પ્રમાણે, દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં રિક્ષા ભાડામાં રિવ્યુ કરવામાં આવે છે, પરંતુ સરકારે ૪ વર્ષથી રેટ કમિટીનો રિવ્યુ ન લેતા રિક્ષા ચાલકોએ કિલોમીટર દીઠ ૨૦ અને મિનિમમ ભાડું રૂપિયા ૩૦ કરવાની માંગણી કરી હતી જેનો સરકારે એક મહિનાનો સમય માંગ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution