લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026 |
1683
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત ૨૦ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે મળતી માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર ૧૫માં જ્યારે મતદાન પ્રક્રિયા પૂરજાેશમાં ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને તેમના સમર્થકો મતદાન મથકની આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની ૧૦૦ મીટરની અંદર કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરી શકાતો નથી. આરોપ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જઈને મતદારોને રીઝવવાનો કે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકબુલ દાવદાણી અને તેમની સાથેના અન્ય ૨૦ જેટલા સમર્થકોની અટકાયત કરી તેમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મતદાન મથક પર શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
લગ્નપ્રસંગ જેમ ઢોલ-શરણાઈ સાથે ગ્રામજનો મત આપવા નીકળ્યા
હાલ લોકશાહીના મહાપર્વ નિમિત્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૨૬મી એપ્રિલે આખા ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે એક અત્યંત પ્રેરણાદાયક અને અનોખો નજારો રજૂ કર્યો છે. સામાન્ય રીતે ચૂંટણી એટલે વ્યૂહરચના અને રાજકીય ગરમાવો માનવામાં આવે છે, પરંતુ મોટા આંકડિયાના ગ્રામજનોએ તેને ખરા અર્થમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી તરીકે સ્થાપિત કરી છે. ગામમાં વહેલી સવારથી જ વાતાવરણ કોઈ લગ્નપ્રસંગ કે મોટા મહોત્સવ જેવું જ સર્જાયું હતું. આ અનોખી ઉજવણીની વિશેષતા એ હતી કે મતદારો માત્ર મતદાન મથક સુધી ચાલીને જવાને બદલે ઢોલ અને શરણાઈના તાલે મધુર સૂરો વચ્ચે મતદાન કરવા નીકળ્યા હતા. ઢોલના ધબકારે ગ્રામજનોમાં એક નવો જ જાેશ ભરી દીધો હતો અને દરેકના મુખ પર લોકશાહીના આ પર્વ માટેનો ગર્વ જાેવા મળતો હતો. શરણાઈના મંગલ સૂર વચ્ચે જ્યારે ગ્રામજનો સમૂહમાં મતદાન કરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં ઊભેલા અન્ય લોકો પણ આ અનેરા ઉત્સાહમાં જાેડાયા વગર રહી શક્યા નહોતા.