લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026 |
1683
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને મતદાન યોજાયું હતું ખાસ વાત એ છે કે આ વખતે તમામ મનપા, નગરપાલિકા અને પંચાયતોનું મતદાન એક જ દિવસે યોજાયું છે. જ્યારે અગાઉ અલગ અલગ દિવસોમાં મતદાન થતું હતું. આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે રાજ્યની ૧૭માંથી ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૩૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલિકાઓમાં મતદાન થયું મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ભરૂચમાં લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. જ્યારે જામનગરમાં ઈવીએમ મશીન ખોટકાતા લગભગ એક કલાક મોડું મતદાન શરૂ થયું હતું. છતાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ૧૦૦ વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા, તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ ઘટનાઓ લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે. ચૂંટણીમાં અનેક જાણીતા ચહેરાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જાણીતા લોકગાયિકા રાજલ બારોટ પણ મતદાન માટે પહોંચ્યા હતા. તો સાંસદ ગેનીબેન ઠાકોરએ અબાસણા ગામે મતદાન કર્યું હતું. તો સાથે વડોદરાના જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે મતદાન કર્યું હતું.
અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે ભાજપ ઉમેદવાર સોનલ ડેરએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરને ભાજપે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ આપી છે. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી મજબૂત બનાવવા સૌએ આગળ આવવું જાેઈએ એવો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે આ બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૫માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મતદારો માટે સુવિધાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. સાથે જ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી.
મહેસાણા જિલ્લામાં ભાજપ ઉમેદવાર નેહા સુથારએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે અને તેમણે સરદાર ગામે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ નેહા સુથારે જંગી મતોથી જીત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતની જાણીતી ગાયિકા અને કલાકાર તરીકે ઓળખાતી નેહા સુથારની ઉમેદવારીને લઈને વિસ્તારમાં ખાસ ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.