માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને કેશલેસ ટ્રીટમેન્ટ મળશે: કેન્દ્રીય મંત્રી ગડકરી


નવી દિલ્હી,:કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ (મફત સારવાર) યોજના જાહેર કરી છે. જે હેઠળ સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને સાત દિવસ મફત સારવાર અથવા રૂ. ૧.૫ લાખ સુધીનો સારવાર ખર્ચ આપશે. આ પાયલોટ પ્રોજેક્ટ ચંદીગઢ અને અસમમાં ગતવર્ષે ઓગસ્ટમાં શરૂ થયો હતો. જેના સફળ અમલીકરણ બાદ હવે દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ લેવા અકસ્માતની જાણ તાત્કાલિક ધોરણે પોલીસને કરવી પડશે. અકસ્માત થયાના તુરંત કે, ૨૪ કલાકની અંદર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવનારાને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ મળશે. જેમાં ઈજાગ્રસ્તને સાત દિવસ કે મહત્તમ રૂ. ૧.૫ લાખ સુધીનો સારવાર ખર્ચ અપાશે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં છેલ્લા એક વર્ષમાં ૧.૮૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. હિટ એન્ડ રનના કિસ્સામાં સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂા.૨ લાખની આર્થિક સહાય અપાશે. અકસ્માતમાં ઘટાડો કરવા સરકાર માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે.

શાળાઓ અને કોલેજાેમાં યોગ્ય રીતે એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટની વ્યવસ્થા ન હોવાથી ૨૦૨૪માં આશરે ૧૦ હજાર બાળકોએ જીવ ગુમાવ્યા છે. શાળાઓની ઓટો રિક્ષા અને મીની બસ માટે નિયમો હોવા છતાં તેના અનુપાલનના અભાવે બાળકો પણ દુર્ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. અમે તમામ ખામીઓને ધ્યાનમાં લઈ તેને ઘટાડવા પ્રયાસ કરીશું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution