બારડોલી-

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલ એસજી જ્વેલર્સમાં મંગળવારે વહેલી સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ માસ્ક પહેરીને આવેલા ચાર જેટલા લૂંટારુઓએ જ્વેલર્સના કર્મચારીને બંધક બનાવી રૂ. ૬.૭૫ લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.

આ અંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલી જીય્ જ્વેલર્સમાં મંગળવારના રોજ સવારે ૮.૦૦થી ૮.૩૦ વાગ્યાની આસપાસ જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી વનરાજભાઈ દુકાન ખોલી દુકાનની સફાઈ કરી રહ્યો હતો ત્યારે માસ્ક પહેરીને એક અજાણ્યો વ્યક્તિ દુકાનમાં પ્રવેશ્યો હતો અને લૂઝ જાેઈએ છે તેમ જણાવ્યુ હતું જાે કે આ સમયે વનરાજે કહ્યું હતું કે, એક કલાક પછી આવજાે, મારા શેઠ આવ્યા નથી. આ પ્રકારની ચર્ચા કરી રહ્યા હતા તે દરમ્યાન માસ્ક પહેરીને અન્ય ત્રણ લૂંટારુઓ દુકાનમાં પ્રવેશ્યા હતા અને દોરી વડે વનરાજને બંધક બનાવી મોઢામાં કપડાંનો ડૂચો મારી દીધો હતો અને હથોડી કે પેચ્યાં જેવા સાધનથી વનરાજને બાનમાં રાખી આ લૂંટારુઓએ દસ મિનિટ જેટલા સમયમાં દુકાનમાંથી સોનાચાંદીના દાગીના જેની અંદાજિત કિમત ૬.૭૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ વનરાજે પોતે જ પ્રયત્ન કરી હાથમાં બાંધેલી દોરી છોડી નાખી હતી અને જ્વેલર્સમાં લૂંટ થઈ હોવાની જાણ કરતાં માલિકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરતાં કડોદરા જીઆઇડીસીના ઇન્ચાર્જ પી.આઈ. કે.જે.ધડુક તેમજ એલસીબી પી.આઈ. બી.કે. ખાચર, સુરત ડિવિઝનના ડીવાયએસપી સી.એમ.જાડેજા સહીતના પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ લૂંટનો ભોગ બનનાર યુવાનની પૂછતાછ શરૂ કરી છે. કડોદરા લૂંટ પ્રકરણમાં ચોક્કસ રેકીના આધારે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. લૂંટ કરવા આવેલા લૂંટારુઓ ૨૦થી ૪૫ વર્ષની ઉંમરના હોવાનું જણાય આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટ અગાઉ આ જ શખ્સો ખરીદીના નામે જ્વેલર્સની દુકાનમાં બે થી ત્રણ વાર આવીને રેકી કરી ગયા હોવાની ચર્ચા છે અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.