વડોદરા, તા.૨૦

તા.૫મી ડીસેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લામાં વિધાનસભા ચૂંટણીઓનું મતદાન રાખવામાં આવ્યું છે. એ દિવસે ઇવીએમ યંત્ર પણ થાકી જાય એટલી વાર એની ચાંપ દબાય અને મહત્તમ મતદાન થાય તેની પ્રેરણા માટે રાખવામાં આવેલા રન ફોર વોટમાં નગરજનોએ હું મતદાન અચૂક કરીશના સંકલ્પ સાથે અનેક લોકોએ દોડ લગાવી હતી.

સયાજીબાગના ગેટ નં.૨થી શરૂ કરી કાલાઘોડા સર્કલ, પંચમુખી હનુમાન, કલેકટર કચેરી, જેલ રોડથી પરત પ્રસ્થાન સ્થળની, લગભગ ત્રણ કિ.મી. લાંબી આ દોડમાં આબાલવૃદ્ધ, દિવ્યાંગ, રમતવીર સહિત વિવિધ શ્રેણીઓના મતદારોએ વિશાળ માનવમહેરામણના રૂપમાં દોડીને અચૂક મતદાન કરજાે તેનો સંદેશ આપ્યો હતો.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા, અવસરના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ અને ઉંમરના નવમા દાયકામાં પણ સ્ફૂર્તિથી થનગનતા ડો.ભગવતી ઓઝાએ આ દોડને પ્રસ્થાન કરાવવાની સાથે તેમાં ભાગ લીધો હતો. નેશનલ ગેમ્સમાં મેડલ જીતનારો નાનકડો શૌર્યજિત ખેરે હાલમાં મતદાનની ઉંમર થઈ નથી તો પણ દોડમાં જાેડાઈને ભાવિ પેઢીની કર્તવ્યશીલતાની ઝાંખી કરાવી હતી.આ દોડમાં જાેડાઈને પહેલીવાર મતનો અધિકાર મળ્યો છે તેવા આયુષી, ફોરમ, પ્રાચી, મૈથિલી અને પ્રશાંતે યુવા સમૂદાયને લોકશાહી પ્રક્રિયામાં જાેડાવાની મળેલી તકનો અનેરો રોમાંચ અનુભવતા યુવા મતદારોને મતદાનની પહેલી તક ન ચૂકવા સંદેશ આપ્યો હતો. તો મૂકધ્વનિ ટ્રસ્ટના સંકલનથી પહેલીવાર મતનો અધિકાર મેળવનારા બધિર દિવ્યાંગોએ તેમાં જાેડાઈને મતદાનની ફરજ ન ભૂલતાનો સંદેશ આપ્યો હતો.

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આ દોડને સફળ બનાવવામાં શહેર પોલીસ દળ, મહેસૂલી કર્મચારીઓ, સમાજ સુરક્ષા, આઈટીઆઈ, શિક્ષણ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગો, રમત મંડળો, મેરેથોન રનર ગ્રૂપના સદસ્યો અને જાગૃત નાગરિકોએ યોગદાન આપ્યું હતું.

માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં લોકોએ મતદાન માટે શપથ લીધા

વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકોની સામાન્ય ચૂંટણી આગામી તા.૫ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ના માર્ગદર્શન હેઠળ શહેર જિલ્લામાં અવસર લોકશાહીનો કેમ્પેઇન હેઠળ મતદાર અને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે શહેરના માંજલપુર વિસ્તારમાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને આવનાર ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રેરિત કરવા સાથે સૌએ મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી.