29, ઓગ્સ્ટ 2025
કીવ |
2475 |
છેલ્લા કેટલાક સપ્તાહોમાં કીવ પર રશિયાનો પ્રથમ મોટો હુમલો
રશિયાએ આજે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોન અને મિસાઇલથી સૌથી મોટો હુમલો કર્યો હતો. જેમાં ૧૭ લોકોનાં મોત તેમજ ૪૮ ઘાયલ થયા હોંવાનું જાણવા મળે છે. ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અમેરિકાના નેતૃત્ત્વમાં શાંતિ પ્રયાસો સફળ ન થવાની વચ્ચે છેલ્લા કેટલાક સપ્તાહોમાં આ કીવ પર રશિયાનો પ્રથમ મોટો હુમલો છે. યુક્રેનની વાયુસેના અનુસાર રશિયાએ સમગ્ર દેશમાં ૫૯૮ ડ્રોન અને વિભિન્ન પ્રકારની ૩૧ મિસાઇલ છોડી હતી. જેના કારણે આ હુમલો યુદ્ધના સૌથી મોટા હુમલાઓ પૈકીનો એક છે. કીવ શહેર વહીવટી તંત્રના પ્રમુખ તૈમુર ત્કાચેંકોએ જણાવ્યું હતું કે મૃતકોમાં બે ૧૪ અને ૧૭ વર્ષની સગીરા પણ સામેલ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે કારણકે બચાવ દળ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યું છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ હુમલા પછી જણાવ્યું હતું કે રશિયા મંત્રણાના ટેબલને બદલે બેલેસ્ટિક હથિયારોની પસંદગી કરે છે. અમે વિશ્વના એ તમામ લોકો પાસે પ્રતિક્રિયાની આશા રાખીએ છીએ જેમણે શાંતિની અપીલ કરી હતી. રશિયના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે સમગ્ર રાત્રિ દરમિયાન યુક્રેનના ૧૦૨ ડ્રોન તોડી પાડયા હતાં. મોટા ભાગના ડ્રોન દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં તોડી પાડવામાં આવ્યા હતાં.