લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026 |
3960
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને દેશમાં ઊર્જા સંકટના ભય વચ્ચે ભારતના પરમ મિત્ર રશિયા તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે દિલ્હી પ્રવાસ પૂર્વે આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતને ખાતરી આપી છે કે, ગમે તેટલું બાહ્ય દબાણ હોવા છતાં, ઊર્જા પુરવઠા અંગેના તમામ કરારો રશિયા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઈડ્રોકાર્બનનો પુરવઠો સતત ચાલુ રાખશે. લાવરોવે જણાવ્યું હતું કે, હું ગેરંટી આપી શકું છું કે રશિયાથી થતાં પુરવઠાના મામલે ભારતના હિતોને કોઈ નુકસાન નહીં પહોંચે. ભલે બજારમાં અનુચિત અને અપ્રમાણિક સ્પર્ધા હોય, અમે અમારી જવાબદારી નિભાવવામાં પાછીપાની નહીં કરીએ. તમિલનાડુમાં રશિયાની ટેકનિકલ સહાયથી બની રહેલા કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટનો ઉલ્લેખ કરતા લાવરોવે તેને બંને દેશોના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ પ્લાન્ટ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે અને ૨૦૨૭ સુધીમાં તે તેની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવાની અપેક્ષા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા રશિયન વિદેશ મંત્રીએ તેમને દુનિયાના સૌથી ઊર્જાવાન નેતાઓ પૈકીના એક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, મોદીમાં અદભૂત ઉર્જા છે અને તેઓ તેનો ઉપયોગ અર્થતંત્ર, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા મહત્વના લક્ષ્યો હાંસલ કરવા માટે કરે છે. ભારત અને રશિયાના સંબંધો પર લાવરોવે કહ્યું કે ‘હિન્દી-રૂસી ભાઈ-ભાઈ’ હવે રાજકીય નારો મટીને બંને દેશોની સંસ્કૃતિનો ભાગ બની ગયો છે.
કેરલમ્માં હવે ૫૦૦૦થી વધારેનું પેટ્રોલ નહીં મળે
કેરળમાં પેટ્રોલ પંપ પર ફ્યૂલના વેચાણને લઈ નવી લિમિટ નક્કી કરી દીધી છે. હવે પેટ્રોલ ૫૦૦૦ રૂપિયા અને ડીઝલ ૨૦૦ લિટરથી વધારે મળશે નહીં. આ પગલું તેલની સપ્લાય મેનેજ કરવા અને અચાનક સ્ટોક ખતમ થતા રોકવા માટે ઉઠાવવામાં આવ્યું છે. કંપનીઓએ ક્રેડિટ સિસ્ટમ બંધ કરી એડવાન્સ પેમેન્ટ શરૂ કરી દીધું છે, જેનાથી પંપ માલિકો પર પ્રેશર વધી ગયું છે. કેરળના પેટ્રોલ પંપ પર ઓઇલના વેચાણને લઈ અચાનક લાગુ થયેલા નવા પ્રતિબંધોએ સામાન્ય જનતા અને વેપારીઓને હેરાન કરી નાખ્યાં છે.