વિશ્વભરમાં ચકચાર જગાવનાર ગોધરા સાબરમતી ટ્રેન સળગાવવાના કાંડના કેદી સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દાને જેલમાંથી છોડાવવા માટે બોગસ દસ્તાવેજાે રજૂ કરાયા હોવાની પોલીસ ફરિયાદ જેલના સત્તાવાળાઓએ રાવપુરા પોલીસ મથકે નોંધાવી છે. જેલરે નોંધાવેલી ફરિયાદમાં ઐયુબ જર્દા હાઈકોર્ટના હુકમના આધારે કેદી સલીમ જર્દાને પેરોલ રજા ઉપર છોડાવવા માટે બોગસ સોલવન્સી સર્ટિફિકેટ સેન્ટ્રલ જેલમાં રજૂ કર્યું હતું. આજીવન કેદની સજા ભોગવી રહેલા સલીમ જર્દા પાસેથી અગાઉ પણ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

શહેરના રાવપુરા પોલીસ મથકમાં વડોદરા સેન્ટ્રલ જેલના જેલર એન.પી.રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગોધરાનો વતની અને ગોધરા સાબરમતી ટ્રેનકાંડમાં પાકાકામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં સલીમ ઉર્ફ સલમાન યુસુફ સલીમ જર્દા આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. પેરોલ રજા મેળવવા માટે તેણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે અરજીના આધારે કોર્ટે તા.૧૬-૬-૨૦૨૧ના રોજ ત્રણ અઠવાડિયા (૩ અઠવાડિયા) માટે પોલીસના જાપ્તા વગરની પેરોલ રજા મંજૂર કરવાનો હુકમ કર્યો હતો અને કોર્ટે કેદી સલીમ જર્દાને રૂા.૧ લાખ ડિપોઝિટ ભરવા અને તેટલી જ રકમના બે વ્યક્તિના સોલવન્સી સર્ટિફિકેટ ૧૫ દિવસમાં જેલ ઓથોરિટી સમક્ષ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.

હાઇકોર્ટના હુકમના આધારે કેદી સલીમ જર્દાને પેરોલ ઉપર છોડાવવા તેના સગા ઐયુબ યુસુફ જર્દાએ (રહે. મેદા પ્લોટ, અબુબકરની મસ્જિદ સામે, ગોધરા) તા.૩૦-૬-૦૨૧ના રોજ સવારે જામીનદાર તરીકે કાંતિ દલપતભાઇ વસાવા અને બેલીમ ઇકબાલ સિદ્દીનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જ્યારે ઐયુબ જર્દાએ કોર્ટના હુકમ પ્રમાણે રૂા.૧ લાખ ડિપોઝિટ ભરવા માટે કાર્યવાહી હાથ ધરી ત્યારે જેલના અધિકારી દ્વારા આધાર કાર્ડ માંગવામાં આવ્યું હતું. આધારકાર્ડ માગતાં તેણે જણાવ્યું કે મેઇન ગેટ પાસે આધારકાર્ડ, મોબાઇલ ફોન જમા કરાવેલ છે, લઇને આવું છું તેમ જણાવી નીકળ્યા બાદ પરત કલાકો સુધી પરત ફર્યો ન હતો.

દરમિયાન કેદી સલીમ જર્દાના સગા ઐયુબ જર્દા દ્વારા જમા કરાવવામાં આવેલ સોલવન્સી સર્ટી.ની તપાસ કરતા બોગસ જણાઇ આવ્યા હતા અને રૂા.૧-૧ લાખના સોલવન્સી સર્ટી.ના બદલે રૂા.૧૫ લાખ અને રૂા. ૧૦ લાખના રજૂ કરતાં જેલ પ્રશાસનને સોલવન્સી સર્ટી. ઉપર શંકા પડી હતી, જેથી જેલ પ્રશાસન માટે સોલવન્સી સર્ટી.ની ગોધરા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરીમાં તપાસ કરાવી હતી, જેમાં સોલવન્સી સર્ટિફિકેટ બોગસ હોવાનું જણાઇ આવ્યું હતું. રાવપુરા પોલીસે જેલર એન.પી. રાઠોડની ફરિયાદના આધારે ગોધરા સાબરમતી ટ્રેનકાંડના પાકા કામના કેદી સલીમ જર્દાને પેરોલ રજા ઉપર છોડાવવા માટે બોગસ દસ્તાવેજાે બનાવી રજૂ કરનાર તેના સગા ઐયુબ યુસુફ જર્દા સામે કેદીને ભગાડી જવાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.