વડોદરા, તા.૧૭

આઈપીએલની ક્રિકેટ મેચ પર સાત કરોડની માસ્ટર આઈડીથી ઓનલાઈન સટ્ટાબેટીંગ રમાડવાના ગુનામાં વોન્ટેડ નામચીન સલમાન ગોલાવાલા અને સિદ્દીક ગોલાવાલા ગોવામાં ફરાર થયા બાદ હાલોલમાં આવીને આશ્રય લેતા હોવાની જાણ થતાં જ પીસીબીની ટીમે આજે હાલોલમાં દરોડો પાડી સલમાન અને સિદ્દીકને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પુછપરછમાં સલમાને ગોવામાં સંજય નામના સટોડિયા સાથે પરિચય થયા બાદ ક્રિકેટ મેચના સટ્ટાકાંડમાં ઝંપાલાવ્યુ હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે આ સટ્ટાકાંડમાં સંજય અને મુન્નાને પણ વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ શરૂ કરી છે.

પીસીબીની ટીમે ગત ૨૨મી એપ્રિલે વડદલારોડ પર કાન્હા રેસીડન્સીમાં રહેતા રામચંદ્રસિંહ રાઉલજીના ઘરે દરોડો પાડી તેને આઈપીએલની ટી-૨૦ ક્રિકેટ મેચ પર રોબર્ટ૯૯૯ ડોટ કોમ વેબસાઈટ મારફત સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. તેણે સટ્ટો રમવા માટે નામચીન આરોપી ૩૦ વર્ષીય સલમાન મોહંમદસલીમ ગોલાવાલા (ડબગરવાસ,પાણીગેટ) અને કલ્પેશ બાંભણિયા પાસેથી સટ્ટો રમવા માટે આઈડી મેળવી હોવાની અને સુફીયાન નામનો યુવક હારજીતના નાણાંનું કલેકશન કરતો હોવાની કબુલાત કરતા પોલીસે સલમાન, કલ્પેશ અને સુફીયાન સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આ ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ સટ્ટાકાંડની તપાસ દરમિયાન મુખ્ય સુત્રધાર સલમાન ગોલાવાલાની સાત કરોડની સુપર માસ્ટર આઈડીનું સંચાલન કરતો કલ્પેશ બાંભણિયા અમદાવાદ ખાતેથી ઝડપાયો હતો અને તેની પુછપરછમાં આ સટ્ટાકાંડમાં ૧૧૦ ગ્રાહકોના નામો સપાટી પર આવતા પોલીસે આ ગ્રાહકોની પણ શોધખોળ શરૂ કરી છે. દરમિયાન આ સટ્ટાકાંડનો મુખ્ય સુત્રધાર સલમાન ગોલાવાલા અને તેનો ભાઈ ૨૨ વર્ષીય મોહંમદસિદ્દીક ફરિયાદ નોંધાતા જ ફરાર થયા હતા. આ મામલો ઠંડો પડતા જ બંને ભાઈઓ હાલોલમાં આવીને છુપાયા હોવાની માહિતી મળતા પીસીબીની ટીમે હાલોલમાં દરોડો પાડી ગોલાવાલા બંધુઓને ઝડપી પાડી અત્રે લાવવામાં આવ્યા હતા.

ગોલાવાલા બંધુઓની પ્રાથમિક પુછપરછમાં આ સટ્ટાકાંડનું ગોવા કનેકશન સપાટી પર આવ્યું હતું. બે વર્ષ અગાઉ સલમાન ગોવા ખાતે કેશીનોમાં જતા તેને સુરતમાં રહેતા સટ્ટેબાજ સંજય સાથે પરિચય થયો હતો અને સલમાને તેની પાસેથી સાત લાખની લીમીટવાળી બીશીખર ડોટ કોમ નામની માસ્ટર આઈડી મેળવી હતી જેમાં સલમાનનો ૮૦ ટકા અને સંજયનો ૨૦ ટકા ભાગ હતો જેમાં દસ જેટલા પેટા ગ્રાહકો હતો. આ આઈડી પર સટ્ટો રમાડવા બદલ ગત ૨૦૨૦-૨૧માં સલમાન પર વડોદરામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમ છ કેસ થતાં સલમાન અને સંજયે આઈડીનું નામ બદલી રોબર્ટ૯૯૯ ડોટ કોમ કર્યું હતું. આ નવી આઈડીમાં સંજયે સટ્ટો રમાડવા માટે ૭ કરોડની લીમીટ કરી આપી હતી જેમાં સલમાનના ૮૨ ટકા અને સંજયના ૧૮ ટકા કમિશન નક્કી થયું હતું. જાેકે આ નવી આઈડી પર રમાતા સટ્ટા બદલ મકરપુરામાં ફરિયાદ નોંધાતા સલમાન પોલીસ ધરપકડ ટાળવા માટે ગોવા ભાગ્યો હતો અને ક્રિકેટ મેચના સટ્ટાના લેવડદેવડ માટે ઉપયોગમાં લીધેલો મોબાઈલ ફોન પણ ગોવા ખાતે બાગાબીચ ખાતે ફેકીં દઈ પુરાવાનો નાશ કર્યો છે. સલમાનના સટ્ટાકાંડમાં આઈડી આપનાર સુરતના સંજય અને મુન્નાભાઈની સંડોવણી સપાટી પર આવતા પોલીસે આ બંનેને પણ વોન્ટેડ જાહેર કર્યા છે.

બેનંબરી નાણાંની લેવડદેવડ આંગડિયા પેઢી મારફત થતી હતી

આઈપીએલની દરેક મેચ પર લાખો રૂપિયાનો સટ્ટો રમાતો હતો પરંતું તેની રોકડમાં થતી લેવડદેવડ અંગે પોલીસ કે અન્ય કોઈ સરકારી એજન્સીને જાણ ના થાય તે માટે સલમાન અને સંજયે નક્કી કરેલા ટકાવારીના રૂપિયાની લેવડદેવડ માટે પી.એમ. આંગડિયા પેઢીની ઓફિસમાં એસએમ નામે એકાઉન્ટ શરૂ કર્યું હતું. સંજય અને સલમાન એકબીજાને ચુકવવાના થતા નાણાં પી એમ આંગડિયા પેઢીની વડોદરામાં આવેલી સુલતાનપુરા,અલકાપુરી તેમજ સુરતના મહિધરપુરાની બ્રાન્ચમાં જમા કરાવતા હતા. જાે પી એમ આંગડિયા પેઢીમાં લેવડદેવડ થઈ શકે તેમ ન હોય તો ઘણી વખત તેઓ માધવ મગન, રમેશ કાંતિ, આર.અશોક નામની આંગડિયા પેઢી મારફત પણ નાણાંની લેવડદેવડ કરતા હતા.

કલ્પેશ બાંભણિયાને નોકરી છોડાવી સટ્ટાનું સંચાલન સોંપ્યું

દાંડિયાબજારમાં આઈડિયા કંપનીના આઉટલેટ પર મહિને દશ હજારના પગારે નોકરી કરતા કલ્પેશ બાંભણિયા સાથે સલમાન ગોલાવાલાને પરિચય થયો હતો. કલ્પેશ કોમ્પ્યુટરનો નિષ્ણાત હોઈ સલમાને તેને નોકરી છોડી તેના ક્રિકેટ મેચના સટ્ટાની આઈડીનું સંચાલન કરવા તેમજ હિસાબ કિતાબ રાખવા માટે જણાવ્યું હતું અને તેને મહિને ૨૫ હજારના પગારની ઓફર કરી હતી. નોકરી કરતા બમણાથી વધુ પગાર મળતો હોઈ કલ્પેશ નોકરી છોડી સલમાના સટ્ટાકાંડમાં જાેડાયો હતો. કલ્પેશેને તેને લેપટોપ આપતા તેણ સલમાનની સુચના મુજબ અમદાવાદ ખાતેખી ક્રિકેટ સટ્ટાની આઈડી આપવાનું તેમજ ઓપરેટ કરવાનું કામ કરતો હતો.

સટ્ટેબાજાેને પ્રત્યક્ષ મળીને નાણાંની લેવડદેવડ કરાતી હતી

મોબાઈલ ફોનના એપથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ખેલીઓ પાસેથી સટ્ટામાં હારેલા અને જીતેલા નાણાંની તેઓને પ્રત્યક્ષ મળીને લેવડદેવડ કરાતી હતી. કલ્પેશ બાંભણિયા દર રવિવારની સાંજે હારજીતના હિસાબનું સ્ટેટમેન્ટ સલમાન અને સંજયને મોકલતા તેઓ સોમવારે હિસાબ કરતા હતા. આ પૈકી સલમાન તેના ગ્રાહકોનો હિસાબ કિતાબ કરી સટ્ટાના હારેલા નાણાંની ઉઘરાણી કરવા માટે જહાંગીરપુરામાં રહેતા સુફીયાન શેખને મહિના ૧૨ રૂપિયાના પગારે નોકરીએ રાખ્યો હતો. સુફિયાન તેને મળતી યાદી મુજબ ગ્રાહકોનો કોન્ટેક્ટ કરી તેઓને મળીને હિસાના નાણાંની આપ-લે કરતો હતો.