વડોદરા, તા.૧૬

જિલ્લાની કરજણ વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા અક્ષય પટેલને રિપીટ કરાતાં નારાજ થયેલા પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા)એ બળવો કરીને કોંગ્રેસમાંથી કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી હતી. જે અંતર્ગત કાર્યકરો સાથે સ્નેહમિલન સંમેલન યોજી મેન્ડેટ આપે તો કોંગ્રેસમાંથી, નહીં તો અપક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. જાે કે, આજે ડેમેજ કંટ્રોલ માટે જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, કાર્યકારી પ્રમુખ બી.જે.બ્રહ્મભટ્ટ તેમની ઓફિસે જઈને ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની ઉપસ્થિતિમાં ચર્ચા કરી હતી. દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ટેલિફોનિક વાતચીત કરાવ્યા બાદ સતીષ પટેલ (નિશાળીયા) માની ગયા હતા અને અપક્ષ ઉમેદવારી નહીં કરવાની જાહેરાત સાથે કરજણમાં કમળને જંગી બહુમતીથી જીતાડીને ગાંધીનગર મોકલવાનું કહ્યું હતું. આમ, છેલ્લા કેટલાંક દિવસથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે.