બચતઃ સમય સરી જતાં પહેલાં..

આપણે બજેટિંગ, ભવિષ્ય માટેનાં નાણાંકીય ધ્યેયો(ફાઈનાન્શિયલ ગોલ્સ સેટિંગ) સ્થાપિત કરવા માટે ઘરમાં ‘આદર્શ આચાર પદ્ધતિ’ કેવી હોવી જાેઈએ તથા નાણાંનું સમય મૂલ્ય શું છે તે અંગેની વિસ્તૃત સમજણ કેળવી. હવે બચત અને રોકાણનું મહત્વ સમજીએ.

નાણાંના સમય મૂલ્યના સિદ્ધાંતને અનુસરીને શરૂઆતનાં મહત્વનાં બે પગલાં ભરવા અતિ-આવશ્યક છે.

•જીવનમાં શક્ય હોય તેટલાં વહેલાં બચત અને રોકાણની શરૂઆત કરો જેથી તમને રોકાણમાં રહેવા માટે વધુ સમય મળી શકે.

•બચત કરો કે રોકાણ તે સમજદારીપૂર્વક કરો. તે માટે નાણાંકીય બજારમાં રોકાણ માટે અસંખ્ય સાધનો ઉપલબ્ધ છે. તમારી જરૂરિયાતને અનુકૂળ હોય તેવાં વિકલ્પ પસંદ કરી શકાય.

જીવનમાં વહેલાં બચત કે રોકાણની શરૂઆતનાં કારણે મળતા અનુકૂળ પરિણામ અંગે જાણકારી મેળવીએ.

જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તમારા ખર્ચા અને ચુકવણીઓની રકમ પણ મોટી થવા લાગે છે. સમય જતાં તમારા ઘરના ઘણા ખર્ચાઓ વધી શકે છે, જાે ઘરમાં બાળકો હોય તો ખર્ચનું પ્રમાણ વધુ ગતિએ વધી શકે છે અને આ ખર્ચ પાછળ તમે જેટલાં નાણાં કમાઓે છો તેનો ખૂબ મોટો હિસ્સો વપરાઈ જાય તેમ બની શકે. એટલે જ, શરૂઆતથી તમે તમારા બજેટમાં રહીને ઘરમાં ‘આદર્શ આચાર પદ્ધતિ’(આવક – બચત = ખર્ચ) દ્વારા જીવન નિર્વાહ કરવાની શરૂઆત કરો. જાે તમે આયોજનબદ્ધ રીતે બચત કે રોકાણની શરૂઆત ન કરેલ હોય તો જેમ ઘણા લોકો પાછળથી પસ્તાવો કરે છે તેમ તમારે પણ પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે!

મારું સૂચન છે કે, તમે નિમ્ન લિખિત મહત્વપૂર્ણ પરિબળોને કારણે નાની ઉંમરમાં(અથવા શક્ય બને તેટલાં વહેલાં) નાણાં બચાવવાનું શરૂ કરોઃ

સારી આદત-જીવનભરનો લાભ ઃ નાની ઉંમરે બચત કરવાનું શરૂ કરવાથી ‘કુટેવો પાછળનો ખર્ચ, અથવા ‘બિન જરૂરી ખર્ચ કરવાની ખરાબ કુટેવ’ છૂટી જશે. નાની ઉંમરે બચત કરવાનું શરૂ કરવાથી સંયમિત જીવન સાથે તમને સારી નાણાંકીય ટેવો વિકસાવવામાં મદદ મળે છે. નાણાં બચાવવા એ એક સારી આદત છે. શરૂઆતમાં કદાચ થોડી અગવડ પડે પરંતુ કોઈપણ આદતની જેમ, તે નિયમિત અભ્યાસ સાથે સરળ બને છે, જેનો લાભ તમને જીવનભર મળી શકે છે.

નાણાંકીય સુરક્ષાઃ નાણાંની વહેલી બચત તમારાં માટે નાણાંકીય સુરક્ષા કવચ તૈયાર કરે છે જે અણધાર્યા તબીબી ખર્ચાઓ, અકસ્માત અથવા નોકરી ગુમાવવા જેવી કટોકટીના કિસ્સામાં તમારું રક્ષણ કરી શકે છે. યોગ્ય પ્રમાણમાં બચત કરેલ હોય તો તમને આ ખર્ચાઓને પહોંચી વળવા દેવું (લોન) કરવાની જરૂરિયાત જ ઊભી ન થાય.

આકસ્મિક કે આવશ્યક ખર્ચાઓને પહોંચી વળવા દેવું(લોન) કરવું પડે તે અનુચિત નથી. પરંતુ બજારમાં કટોકટીનાં સમયમાં ઊંચા વ્યાજે લોન મેળવવી પડે ત્યારે જીવનમાં ‘પડતાં પર પાટું’ જેવો ઘાટ સર્જાય છે. ભવિષ્યમાં લોનનાં વિષય ઉપર વિસ્તાર પૂર્વક સમજીશું.

જાેખમ વ્યવસ્થાપનઃ નાણાંની બચત કે રોકાણ તમને ભવિષ્યમાં નાણાંકીય જાેખમોને ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, બચતનાં કારણે તમને આર્થિક મંદી, બજારની વધઘટ અથવા તમારી નાણાંકીય સુખાકારીને નોંધપાત્ર અસર કર્યા વિના જીવનની અનપેક્ષિત ઘટનાઓમાં તમારી જીવનશૈલી સાચવી રાખવામાં મદદ મળી શકે છે.

નાણાંકીય સ્વતંત્રતાઃ તમે બચત તથા રોકાણ કરવાનું જેટલું વહેલાં શરૂ કરશો, તેટલી વહેલી તકે તમે એવી સ્થિતિ સુધી પહોંચી શકશો જ્યાં તમારા રોકાણો તમારા ખર્ચાઓને આવરી લેવા માટે પૂરતી આવક ઉત્પન્ન કરશે, જેના દ્વારા તમે તમારી નાણાંકીય બાબતો ઉપર વધુ નિયંત્રણ મેળવી શકશો. નાણાંની વહેલી કરેલી બચત તમને વહેલી તકે ‘નાણાંકીય સ્વતંત્રતા’ પ્રાપ્ત કરાવી શકે છે.

લાંબા ગાળાના ધ્યેયો સિદ્ધ કરવાઃ વહેલા બચત કરવાથી તમને લાંબા ગાળાના નાણાંકીય ધ્યેયો સિદ્ધ કરવામાં મદદ મળી શકે છે. જેમ કે ઘર ખરીદવું હોય, નવો વ્યવસાય શરૂ કરવા મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અથવા નિવૃત્ત થયા બાદ આર્થિક રીતે સંપૂર્ણ સ્વ-ર્નિભર જીવન નિર્વાહ વગેરે જેવા ઘણાં અગત્યનાં લાંબા ગાળાના લક્ષ્યાનીે પુર્તિમાં મદદરૂપ થાય છે. વહેલું રોકાણ શરૂ કરીને, તમે તમારી જાતને આ લક્ષ્યો સુધી પહોંચી વળવા માટે વધુ સમય આપો છો અને લાંબા સમયની રોકાણની તકોનો વધુ લાભ લઈ શકો છો.

ચક્રવૃદ્ધિ વ્યાજઃ જ્યારે તમે નાની ઉંમરે બચત અને રોકાણ કરવાનું શરૂ કરો છો, ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિને કારણે તમારા નાણાંને વધુ ગતિથી વધવા માટે વધુ સમય મળે છે. તમારી બચત દ્વારા વ્યાજની જે કમાણી ઉત્પન્ન થાય છે, ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે વ્યાજની કમાણી પોતાની કમાણી પેદા કરે છે, જે સમય જતાં તમારી સંપત્તિમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

આથી, જે દિવસથી તમારી આવકની શરૂઆત થાય ત્યારથી જ બચત/રોકાણ કરવાની શરૂઆત કરવી તેજ યોગ્ય દિશામાં કરેલી ઉત્તમ પહેલ કહેવાય. જાે હજુ સુધી બચત/રોકાણ કરવાની શરૂઆત કરી ન હોય તો જાગ્યા ત્યારથી સવાર સમજી વિના વિલંબ યોગ્ય પગલાં લો. તે ઉપરાંત શક્ય હોય તેટલો વધુ સમય તમે રોકાણમાં રહો. ચક્રવૃદ્ધિ અસરને કારણે જેટલી વધુ રાહ જાેશો નાણાંકીય વૃદ્ધિ તેટલી વધુ પ્રબળ થશે.

વહેલું રોકાણ કરો, યોજનાબદ્ધ રોકાણ કરો, લાંબા ગાળા માટે રોકાણ કરો અને રોકાણમાં રહો...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution