સયાજી હોસ્પિટલમાં NABH ટીમનું નિરીક્ષણ, ટીમ પહોંચે તે પહેલા જ તંત્ર દ્વારા 'સફાઈ અભિયાન' અને બોર્ડ લગાવવાની કામગીરી તેજ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ફેબ્રુઆરી 2026  |   વડોદરા   |   1881

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલમાં સુવિધાઓ અને સારવારના સ્તરને ચકાસવા માટે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ (NABH) ની ટીમ આવી પહોંચી છે. આગામી ત્રણ દિવસ સુધી આ ટીમ હોસ્પિટલના વિવિધ વિભાગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે.


બગીમાં બેસીને કેમ્પસનું નિરીક્ષણ

આજે પ્રારંભિક તબક્કે સુપ્રિટેન્ડન્ટ ઓફિસ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ત્રણ સભ્યોની આ ઉચ્ચસ્તરીય ટીમે સયાજી હોસ્પિટલ પરિસરમાં બગીમાં બેસીને રાઉન્ડ માર્યો હતો અને પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના વહીવટી તંત્ર સાથે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી હતી.


તંત્રની દોડધામ: ટીમ આવે તે પહેલા જ કામગીરી પૂર્ણ કરવા મથામણ

NABHની ટીમ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પહોંચે તે પહેલા જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. હોસ્પિટલની દીવાલોની સફાઈ, ખૂણે-ખૂણે સ્વચ્છતા અને 'વર્ક ઇન પ્રોગ્રેસ' ના બોર્ડ લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ પરિસરને ચકચકાટ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.


કઈ બાબતો પર રહેશે ટીમની નજર?

આગામી ત્રણ દિવસ દરમિયાન NABH ના ધોરણો મુજબ નીચે મુજબની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવશે:

દર્દીઓને અપાતી ક્લિનિકલ સારવારની પ્રક્રિયા.

દર્દીઓના મેડિકલ રેકોર્ડ અને ડોક્યુમેન્ટેશનની ચોકસાઈ.

હોસ્પિટલની સ્વચ્છતા અને સ્ટાફની વ્યવસ્થા.

દર્દીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા.

સાઇન બોર્ડ અને વહીવટી વ્યવસ્થા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution