વડોદરા,તા.૪

વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં જીબીએસ ઞુલિયનબારી સિન્ડ્રોમ સાથે સારવાર માટે દાખલ કરવામાં આવેલી બે વર્ષની બાળકીને એમઆરઆઈ કરાવવા માટે ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ બેભાન થઈને મોતને ભેટતાં હંગામો મચી ગયો હતો. આ બનાવને પગલે બાળકીનાં માતા પિતા તેમજ તેના સ્વજનો દ્વારા પીડિયાટ્રીક વોર્ડમાં તબીબોની બેદરકારીના આક્ષેપો સાથે ભારે હંગામા મચાવ્યો હતો. અને ફરજ પરના સ્ટાફ કર્મચારી ઉપર હુમલો કરવાના પ્રયાસ સાથે વોર્ડમાં આવેલા કાચના બારી બારણાને નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવને પગલે રાવપુરા પોલીસ નો સ્ટાફ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. કલાકોની જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સયાજીના પીડિયાટ્રીક વોર્ડમાં છેલ્લા પાંચ દિવસથી ગોત્રીમાં રહેતા અતુલભાઇ સોલંકી તેમની બે વર્ષની બાળકી વેન્સી સોલંકીને સારવાર અર્થે દાખલ કરી હતી. સારવાર દરમિયાન બાળકીને જીબીએસ ઞુડબડલીયનબારી સિન્ડ્રોમના લક્ષણો હોવાનું તબીબોના રિપોર્ટમાં આવ્યું હતું. આજે બપોરે આ બાળકીને એમઆરઆઈ કરાવવા માટે તબીબ દ્વારા એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ ઇન્જેક્શન બાદ બાળકી બેભાન બની ગઈ હતી અને મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી. બાળકી અચાનક બેભાન બનીને મૃત્યુ પામતા માતા પિતાએ ભારે હંગામા મચાવી મૂક્યો હતો. તેમનાં સંબંધીઓ તથા સમાજના અગ્રણીઓનું ટોળું સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું. તબીબો સમક્ષ ઉગ્ર અવાજે તેમજ બેદરકારીનાં આક્ષેપો સાથે ભારે હંગામો મચાવ્યો હતો. ઉપરાંત સગા સંબંધીઓએ વોર્ડમાં આવેલા કાચનાં દરવાજાઓની તોડફોડ કરીને નુકસાન કર્યું હતું. બનાવની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા દરમિયાનગીરી કરી મામલો થાળે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ

ધરવામાં આવી હતી.

બાળકીને જીબીએસની બીમારી હતી ઃ તબીબ

પીડિયાટ્રીક વોર્ડમાં પાંચ દિવસથી દાખલ બાળકીને ગુડલીયનબારી સિન્ડ્રોમની બીમારી હોવાનું ડોક્ટર વૈશાલી જાનપુરાએ જણાવ્યું હતું. આ બનાવમાં તબીબની બેદરકારીનાં આક્ષેપોને રદીયો આપ્યો હતો અને સરકારી હોસ્પિટલની પ્રોપર્ટીને નુકસાન કરવા બાબતે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.