ગાડીઓ ભાડે લઈ વેચી દેવાનું કૌભાંડ ઃ પોલીસ મૂક સાક્ષી!
31, ડિસેમ્બર 2022


ભાવિક વાઢણકર / વડોદરા, તા.૩૦

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તે કહેવત મુજબ શહેરમાં ૩૦૦થી વધુ કારચાલકો આ કૌભાંડના શિકાર બની ચૂક્યા છતાં પણ શહેર પોલીસ મૂકપ્રેક્ષક ફકત શહેરીજનોનો તમાશો જાેઇ રહી છે. કાર ઠગનારે કારચાલકો પાસે લોભ લાલચ આપીને તેમની ગાડીઓ કંપનીમાં ભાડે અપાવવાના બહાને કારચાલકો પાસેથી ગાડીઓ લઇ બારોબાર વેચી મારવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. શહેરમાંથી આશરે ૩૦૦થી વધુ ગાડીઓના ચાલાકો આ કૌભાંડનો ભોગ બન્યા છે. ભોગ બનનારે ભોગ બન્યા ત્યારે પોલીસમાં આ બનાવની જાણ લેખિતમાં અરજી દ્વારા આપવામાં આવી હતી પરંતુ આજે ચાર-પાંચ મહિના વિત્યા બાદ પણ પોલીસ કેટલાક કેસોમાં તો ફરિયાદ નોંધતી નથી અને ભોગ બનનારને કહે છે તપાસમાં મળશે એટલે તમને જણાવીશુ.

શહેરમાં કાર ઠગનાર મનીષ અશોકભાઇ હરસોરા અને દિપક રૈયાણી લોભ-લાલચ આપીને કારચાલકોની કાર કંપનીઓમાં આપવાથી તમને દર મહિને ૨૫ હજારથી ૩૦ હજાર રૂપિયા સુધીનું ભાડું મળશે તેવી લાલચ આપીને તેમની ગાડીઓ લઇને તેમની પાસેથી ૩૦૦ રૂપિયાના કાગળ પર કરાર કરતા હતા અને કારચાલક પાસેથી ઓરિજિનલ આર.સી. બુક અને બે ચાવીઓ લઇ લેતા હતા. આવી ફોર વ્હીલર કારો લઇને જતા રહેતા, ત્યાર બાદ ચાર-પાંચ મહિના રેગ્યુલર ગાડીનું કરાર મુજબ ભાડું ચૂકવતા હતા. ત્યાર બાદ કોઇ ભાડું ચૂકવતા ન હતા. આ બંને ઠગ જાે કોઇની પાસે ફોર વ્હીલર ગાડી ના હોય તો પણ તેમણે ઊંચા ભાડાની લોભ-લાલચ આપીને નવી ગાડીઓ લેવડાવતા. નવી ગાડીઓ કારમાલિક પાસેથી છોડાવતા હતા અને તે ગાડીઓ લઇને બારોબાર બીજાને વેચી દેતા કે પછી કોઇને ત્યાં ગીરવે આપી દેતા હતા. શહેરમાં આશરે આ કૌભાડમાં ૩૦૦થી વધુ લોકો આનો ભોગ બની ચૂક્યા છે. આ સમગ્ર બનાવની જાણ અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કારચાલકો દ્વારા આપવામાં આવી છે તેમ છતાં પણ પોલીસ કારચાલકો જાણે આરોપીઓ હોય તેમ વ્યવહાર કરે છે અને કારટોળકી બિન્દાસ્તપણે શહેરમાં ફરી રહી છે અને પોલીસ તમાશો જાેતી રહે છે.

ગાડીમાં જીપીએસ સિસ્ટમના કારણે ગાડી સુરત હોવાની ખબર પડતાં ટોઇંગ કરીને લઇ આવ્યા

ચાર પાંચ મહિના અગાઉ મનીષ હરસોરા દ્વારા અમારા સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાંથી અલગ અલગ કંપનીની ગાડીઓ આ કારઠગ દ્વારા માંજલપુરના કાર માલિક શુભમને લોભલાલચ આપી કંપનીમાં તમારી ગાડી મુકી હતી પરંતુ બે ત્રણ મહિના ભાડુ આપ્યા બાદ આ કારઠગનારનો કોઇ અતોપતો જ ના મળતા અમે અમારી ગાડીમાં લગાવેલ જીપીએસ સીસ્ટમથી માલુમ પડયુ કે અમારી ગાડી સુરત ખાતે છે તેવુ માલુમ પડતા અમે સુરત ખાતે ગયા હતા પરંતુ જેની પાસે ગાડી હતી તે દિપક નામના માણસને જાણ કરી હતી કે આ કાર અમારી છે ત્યારે ખબર પડી કે આ કારઠગનારે તેની પાસેથી પૈસા લઇને આ કાર દિપકને આપી હતી પરંતુ આ દિપકે કારમાલીકને જણાવ્યુ હતુ કે આ કાર જાેતી હોય તો મને મારા પૈસા આપી દો પછી તમારી ગાડી લઇ જાવ તેમ કહી ગાડીને હાથ પણ ન્હતો લગાવી દીધો હતો. જેથી કારમાલીક અને તેમના કેટલાક મિત્રો દ્વારા ત્રણથી ચાર દિવસ ત્યા સુરત ખાતે ગાડીની રેકી કરી હતી એકલતાનો લાભ લેતા જ અમે અમારી ગાડીને ટોઇંગ કરીને હાઇવે પર લઇ આવ્યા હતા ત્યા એક સાઇડનો કાચ તોડી હેન્ડબ્રેક ખોલીને અમે અમારી ગાડી વડોદરા ખાતે લઇ આવ્યા હતા. આ બનાવની જાણ અમે પોલીસને લેખિતમાં અરજી કરી હતી પરંતુ પોલીસ અમે આરોપીઓ હોય તે રીતે વર્તન કરતા અમે અમારી ગાડી જાતે જ શોધીને પરત લઇ આવ્યા હતા.

કેટલાક લોકો પોલીસ ફરિયાદ કરતા નથી

શહેરમાં કેટલાક કાર ચાલકો દ્વારા આ કારઠગનાર સામે પોલીસ ફરીયાદ કરવા માટે જતા જ નથી કારણ કે કારચાલકોને જવાબ શુ હશે તે પણ તેમણે ખબર હોય છે કે તપાસ કરીશુ ગાડી મળશે તો તેમણે જાણ કરીશ પોલીસના આવા જવાબથી કેટલાક શહેરીજનો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા માટે જતા નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution