વડોદરા, તા.૨૧

વડોદરા શહેરમાં ર૪ કલાક વાહનવ્યવહારથી ધમધમતા સંગમ ચાર રસ્તા પાસે આજે ટ્રાફિક સિગ્નલ ચાલુ-બંધ થવાની અંતિમ સેકન્ડમાં પસાર થવાની લ્હાયમાં સ્કૂટીસવાર મહિલાને ટ્રેલર સાથે અકસ્માત થતાં પગના ભાગે અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રેલરચાલક ઊભો રહેતાં મહિલાને ૧૦૮ મારફત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળાં એકત્રિત થયા બાદ પોલીસ આવી પહોંચી હતી અને ટ્રેલરને સાઈડમાં હટાવી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કર્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના હરણી-સંગમ ચાર રસ્તા પર ર૪ કલાક વાહનવ્યવહારથી ધમધમતો રહે છે. એટલું જ નહીં, સંખ્યાબંધ નાના મોટા વાહનો પસાર થાય છે. શહેરમાં ભારદારી વાહનો માટે ટ્રાફિક વિભાગ દ્વારા મોટા વાહનોને એન્ટ્રી માટે કેટલાક નિયમો અને ટાઈમિંગ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ તંત્રના હપ્તારા અને ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ આ કાયદાનું ભારદારી વાહનચાલકો સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. તદ્‌ઉપરાંત હેવી ટ્રાફિકવાળા સર્કલ પર ટ્રાફિક પોલીસને બદલે ટ્રાફિક બ્રિગેડના જવાનો ઊભેલા જાેવા મળી રહ્યા છે, તેઓ પણ ટ્રાફિક સિગ્નલ પર મોબાઈલમાં વ્યસ્ત જાેવા મળી રહ્યા છે.

હરણી-સંગમ ચાર રસ્તા પાસે આજે બનેલા બનાવમાં ટ્રાફિક સિગ્નલ બંધ થવાના સમયે અને અન્ય સાઈડનો સિગ્નલ ચાલુ થયો હોવાથી એક સ્કૂટીસવાર મહિલા ચાર રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે મહારાષ્ટ્ર પાસિંગના ટ્રેલર સાથે અકસ્માત નડયો હતો. જેમાં મહિલાને ઈજાઓ થવા પામી હતી. બનાવને પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. જાે કે, ટ્રેલરનો ચાલક પોતાનું ટ્રેલર ઊભું રાખી મહિલાની મદદે દોડી આવ્યો હતો. લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ બનાવની જાણ વારસિયા પોલીસને કરવામાં આવતાં પોલીસ બનવાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રેલરને સાઈડમાં કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.