નર્સિંગની બીજા વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026  |   2376

મહેસાણા-વિસનગર રોડ પર આવેલી જાણીતી મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં આજે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર કેમ્પસ અને શિક્ષણ જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની વિગત મુજબ, હોસ્ટેલના રૂમમાં અસ્મિતા પટેલ નામની વિદ્યાર્થીની એકલી હતી ત્યારે તેણે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તે બીએસસીના નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ ઘટના હોસ્ટેલના રૂમ નંબર છ ૨૦૮માં બની હતી. હોસ્ટેલનો સફાઈ કામદાર જ્યારે રૂમ સાફ કરવા પહોંચ્યો અને અંદરથી કોઈ પ્રતિસાદ ન મળ્યો, ત્યારે શંકા જતાં દરવાજાે તોડવામાં આવ્યો હતો. અંદર યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં જાેઈ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. નવસારીમાં રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ ઘેરા શોક સાથે મહેસાણા આવવા રવાના થયા છે. પરીક્ષા પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ વિદ્યાર્થિનીએ આટલું આકરું પગલું કેમ ભર્યું તે હજુ રહસ્ય છે. પોલીસ હાલ આત્મહત્યા પાછળનું કારણ જાણવા ઝીણવટભરી તપાસ કરી રહી છે.

હોસ્ટેલ સંચાલકોની પણ પૂછપરછ કરી છે : ડીવાયએસપી

મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું કે, તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાસ્થળને કોર્ડન કરી ઇન્વેસ્ટીગેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજાે, કોલેજના ચોપડા, નોટ્સ વગેરે કબજે કર્યું છે. દીકરીએ શા કારણે આ આત્યંતિક પગલું ભર્યું છે તેેનું કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે. તેના માતા-પિતા અને તેના સગા-સંબંધીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. હોસ્ટેલ સંચાલકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution