ગાંધીનગર,તા.૧૪

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આગામી સોમવારે ચૂંટાયેલા ધારાસભ્યોના શપથ ગ્રહણ લેવામાં આવશે ત્યાર બાદ બીજા દિવસે એક દિવસીય ગૃહનું સત્ર બોલાવવામાં આવ્યું છે. જેને લઈને રાજ્યપાલ દ્વારા પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં બાદ ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર બની ગઈ છે, જેના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આગામી તા. ૨૦ ડિસેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. જેના અંતર્ગત આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ તમામ ધારાસભ્યોના શપથ ગ્રહણ માટેની જાહેરાત કરવામાં આવી છે.તેમજ તા. ૨૦ ડિસેમ્બરના રોજ સવારે ૧૦ વાગે વિધાનસભાનું સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આજે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર યોગેશ પટેલની વરણી કરવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં સ્થાન લેતા પૂર્વે વિધાનસભા અધ્યક્ષ કે તેના સક્ષમ વ્યક્તિ સમક્ષ પ્રતિજ્ઞા લેવાની હોય છે. જેના અંતર્ગત વિધાનસભામાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ પ્રોટેમ્પ્ટ સ્પીકરની સમક્ષ પ્રતિજ્ઞા લેવા માટે બપોરે ૧૨ વાગે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. ત્યાર બાદ બીજા દિવસે સવારે ૧૦ કલાકે વિધાનસભાનું સત્ર મળનાર છે.