વડોદરા, તા.૨૦

રાજ્ય સરકાર હસ્તકની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડોકટરો તેમની બોન્ડેડ સેવાઓ તરીકે ગણવામાં આવે તેવી માગ સાથે છેલ્લા એક અઠવાડિયાથી હડતાળ પર ઉતર્યા છે અને સરકાર વિરુદ્ધ પોતાની માગણીઓ સંતોષવા માટે મક્કમ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. તે જાેતાં સરકારે તેઓને કાનૂની રાહે નોટિસ આપીને શિસ્તભંગના પગલાં તેમજ તબીબી સેવાઓની બેદરકારી તથા નિષ્કાળજી મુદ્દે સરકાર તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. તાત્કાલિક ધોરણે તેઓને હોસ્ટેલ ખાલી કરવા માટે શિસ્તભંગના પગલાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી સિનિયર રેસિડન્સ અને જુનિયર રેસિડન્સ તબીબોમાં ભારે ચહલપહલ મચી ગઇ છે. તેઓએ આજે પણ આ મુદ્દે સરકારના કડક વલણનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી સયાજી હોસ્પિટલમાં વિરોધ નોંધાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર રેસિડન્ટ તબીબોએ ૩૬ મહિનાના સમયગાળામાં ૧૭ મહિના કોરોનાની મહામારીમાં સેવાઓ આપી હતી જેને લઇને સિનિયર તબીબો દ્વારા તેમની આરોગ્ય સેવા બોન્ડેડ તરીકે ગણવામાં આવે તેવી માગ સરકાર સમક્ષ કરી રહ્યા છે. બીજી તરફ સરકારે ચાલુ વર્ષે અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પૂર્ણ કરેલ ડિગ્રી બોન્ડેડ ઉમેદવારોની સિનિયર રેસિડેન્સની સેવાઓ તરીકે ન ગણવાનો ર્નિણય લેવામાં આવેલ છે જે ર્નિણયને પગલે સિનિયર રેસિડન્સોમાં રોષની લાગણી વ્યાપી છે અને આ સરકારના આવા ર્નિણય વિરુદ્ધ હડતાળનું આંદોલન છેડ્યું છે. તબીબો દ્વારા ગત તા. ૧૫મી જૂનના રોજથી તેઓ હડતાળ પર ઉતરી પોતાની ફરજ અને આરોગ્ય સેવાઓથી અલિપ્ત રહ્યા છે. આ આંદોલનને મક્કમતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. આરોગ્ય સેવાઓની અસર દર્દીઓ ઉપર પડતાં સરકારે હડતાળિયા સિનિયર રેસિડેન્સ તબીબો ઉપર કાયદાનો કોરડો વીંઝીને સરકાર તરફથી નોટિસ ફટકારી હોસ્ટેલ ખાલી કરવા માટે તાત્કાલિક અસરથી સૂચના આપવામાં આવી છે. બીજી તરફ સરકારી પરિપત્રના અમલ હેતુ મેડિકલ કોલેજના ડીને પણ સિનિયર રેસિડન્સ તબીબોને શિસ્તભંગના પગલાં ભરવા માટે ચીમકી ઉચ્ચારી છે. તબીબોને હોસ્ટેલ ખાલી કરવા માટે અને શિસ્તભંગના પગલાં લેવા માટે નોટિસ મળતાં ભારે હંગામો મચી ગયો છે. આજે પણ પોતાને આપવામાં આવેલી નોટિસ સાથે વિરોધ પ્રદર્શન કરી ડોક્ટરો ઉપર દબાણ લાવવા માટે આ કામગીરીને ગેરવાજબી ગણાવી હતી.