લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુલાઈ 2026 |
1188
યુરોપના ફિનલેન્ડ દેશમાં ભણવા ગયેલા હૈદરાબાદના ૧૮ વર્ષના વિદ્યાર્થી મણિદીપ રેડ્ડી ગુજ્જાનો મૃતદેહ ત્યાંની રાજધાની હેલસિંકીના દરિયામાંથી મળી આવ્યો છે. મણિદીપ ગત ૫ મેથી અચાનક લાપતા થયો હતો અને આશરે બે મહિના બાદ તેનો મૃતદેહ મળ્યો હોવાની પુષ્ટિ પરિવારના વકીલે કરી છે. જાેકે, આ સમગ્ર ઘટનાને શંકાસ્પદ ગણાવીને પરિવારે ફિનલેન્ડ પોલીસની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આ મામલે યોગ્ય ન્યાય માટે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
ફિનલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસે ૧૦ જુલાઈના રોજ મણિદીપના પરિવારને સત્તાવાર માહિતી આપી હતી કે હેલસિંકીના દરિયાઈ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો છે, જેની ઓળખ મણિદીપ રેડ્ડી તરીકે થઈ છે. આ સમાચાર સાંભળતા જ હૈદરાબાદમાં રહેતો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પુત્ર લાપતા થયા બાદ તેના પિતા જી. મુથ્યમ રેડ્ડી અને માતા મમતા રેડ્ડીએ તેને શોધવા માટે તેલંગાણા હાઇકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા.
મણિદીપ ફિનલેન્ડની પ્રસિદ્ધ ‘લાપીનરાંતા-લાહટી યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી‘ના લાહટી કેમ્પસમાં બેચલર ઓફ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.