સુરત, સુરતમાં ૫૦ રૂપિયાની ફાટેલી નોટ ન લેતા કરીયાણાના દુકાનદારની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. જ્યારે મૃતકના પરિવારની આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે મોટી સંખ્યમાં ભેગા થઈ ગયા હતા. 

લંબે હનુમાન રોડ પર પાટીચાલ આવેલી છે. જ્યાં ૨૮ વર્ષીય અમરદીપ નામનો યુવાન કરીયાણાની દુકાન ચલાવતો હતો. ગત રોજ તે દુકાન પર હતો ત્યારે બે ઈસમો ત્યાં આવ્યા હતા અને ૫૦ રૂપિયાની ફાટેલી નોટ આપી સોડા માંગી હતી. નોટ ફાટેલી હોવાથી દુકાનદાર અમરદીપે સોડા આપી ન હતી. જેથી રોષે ભરાયેલા બંને ઈસમોએ ઝઘડો શરુ કર્યો હતો. ત્યારબાદ અમરદીપને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરૂખ શાકીર શેખ અને જુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા હતા. મૃતક અમરદીપના પરિવારજનોએ આરોપીને સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી.